તહેવારોમાં જાહેર રોડ પર મંડપ બાંધીને ફરસાણ અને મીઠાઈનો વેપાર કરનારા સામે કડક પગલાં લેવાશે
અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં તહેવારો સમયે સમિયાણા બાંધીને ફૂટી નીકળતાં મીઠાઇ અને ફરસાણવાળાઓ ઉપર રાજ્ય સરકાર મોટાપાયે પગલાં લેશે. ગુજરાત મીઠાઇ ફરસાણ ઉત્પાદક વેપારી એસોસિએશને ચોખ્ખા ઘીનાં નામે મોંઘીદાટ મીઠાઇઓ વેચતાં આવા લોકો સામે રાજ્ય સરકારને ફરિયાદ કરતાં ફૂડ વિભાગે આવા લોકો સામે ઘોંસ બોલાવવાનો નિર્ણય કર્યો છે. જે લોકો લાઇસન્સ વગર ધંધો કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત મીઠાઇ ફરસાણ ઉત્પાદક વેપારી એસોસિએેશનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદો મળી હતી કે કેટલાય લોકો માત્ર તહેવારોનો લાભ લેવા માટે મીઠાઇ ફરસાણનું વેચાણ કરીને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરે છે. આ લોકો નથી સરકારનું લાઇસન્સ લેતાં કે નથી ટેક્સ ભરતા, અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે. લોકોએ લાઇસન્સ ધારક વેપારી પાસેથી જ મીઠાઇ કે ફરસાણ ખરીદવી જોઈએ. ફરસાણ ઉત્પાદક એસોએ આ અંગે રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગમાં રજુઆત કરતા હવે આ તહેવારોમાં જાહેરમાં મંડપ બાંધીને લાયસન્સ લીધા વિના ફરસાણ અને મીઠાઈનો વેપાર કરનારાઓ સામે કડક પગલાં લાવામાં આવશે. ફુડ અને ડ્રગ્સ વિભાગે જિલ્લાના અધિકારીઓને સુચના પણ આપી દીધી છે. જાહેર રોડ પર મંડપ બાંધીને ફરસાણ અને મીઠાઈનો વેપાર કરતા વેપારીઓ સામે પગલાં લેવામાં આવશે.