
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમને બીયુ પરમિશન કે ફાયરની એનઓસી ન હોય તેમને સી ફોર્મ (પ્રમાણપત્ર) આપવાનું બંધ કરવામાં આવતા ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આથી મ્યુનિ.કોર્પોરેશનના વલણ સામે શહેરની 400થી વધુ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ સંચાલકો બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. શનિવારની જેમ રવિવારે પણ શહેરની તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરીની કાર્યવાહી બંધ રહેશે. ખાનગી હોસ્પિટલોના તબીબો શહેરના વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલીને યોજી ધરણા પર બેઠા છે.
અમદાવાદની ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણા પર બેઠા છે. ધરણા પ્રદર્શન ખાતે રામધૂન બોલાવી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો ખાનગી હોસ્પિટલ સંચાલકોએ કહ્યુ હતું કે, તેઓ ભલે વિરોધ નોંધાવી રહ્યા હોય પરંતુ બ્લડ ડોનેશન કાર્યક્રમ થકી પોતાની સમાજ પ્રત્યેની ફરજ અદા પણ કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં પણ તેમની માંગણીઓનો ઉકેલ ન આવતાં અંતે વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.
ખાનગી હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે, 1949થી 2021 સુધી, તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હૉસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. અત્યાર સુધી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સની કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવતી હતી. પરંતુ ઑક્ટોબર 2021થી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. ઑક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેતે હોસ્પિટલની યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ ‘સી’ તરીકે ઓળખવામાં આવે છે.
હોસ્પિટલ સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફોર્મ C પરવાનગી માત્ર મૉર્ડન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ લાગુ પડે છે. રેસ્ટોરાં જેવી અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે અલગ નોંધણીની કોઈ આવશ્યકતા નથી અને તેઓને તેમના બીયુ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થકેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે? આમ થવાથી હોસ્પિટલ સંચાલકો સાથે ભેદભાવ થતો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
AHNA દ્વારા શનિવારે વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી અને ધરણાનું આયોજન કર્યું હતું, જેમાં ડૉકટરો, હોસ્પિટલોના કર્મચારીઓ, દર્દીઓ, સંબંધીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે 15મી મે, 2022ના રોજ વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતે સવારે 9 થી 12 દરમિયાન રક્તદાન શિબિરનું યોજાશે..