આધુનિક ધ્રુવ NG હેલિકોપ્ટરની સફળ ઉડાન: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ બતાવી લીલી ઝંડી
બેંગલુરુ, 30 ડિસેમ્બર 2025: ભારતના સ્વદેશી સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના અત્યાધુનિક સિવિલ હેલિકોપ્ટર ‘ધ્રુવ NG’ની પ્રથમ ઉડાનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
- કૉકપિટમાં મંત્રીએ લીધી જાણકારી
ઉડાન પૂર્વે મંત્રી રામ મોહન નાયડુ પોતે હેલિકોપ્ટરના કૉકપિટમાં પ્રવેશ્યા હતા. તેમણે પાયલોટ સાથે વાતચીત કરી હેલિકોપ્ટરની અદ્યતન સિસ્ટમ્સ, સુરક્ષાના માપદંડો અને તેની વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે HALના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
HAL ના જણાવ્યા અનુસાર, ધ્રુવ NG (New Generation) એ 5.5 ટન વજન ધરાવતું, લાઇટ ટ્વિન-એન્જિન અને મલ્ટી-રોલ હેલિકોપ્ટર છે. તેને ખાસ કરીને ભારતના વૈવિધ્યસભર અને પડકારજનક ભૌગોલિક વિસ્તારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
આમાં બે ‘શક્તિ 1H1C’ એન્જિન લગાવવામાં આવ્યા છે, જે તેને પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પણ ઉડવા માટે શ્રેષ્ઠ શક્તિ પ્રદાન કરે છે. મહત્વની વાત એ છે કે આ એન્જિનનું મેન્ટેનન્સ ભારતમાં જ થઈ શકશે.
હેલિકોપ્ટરમાં વિશ્વસ્તરીય, નાગરિક-પ્રમાણિત ગ્લાસ કૉકપિટ છે જે AS4 જરૂરિયાતોને પૂર્ણ કરે છે. મુસાફરોની સુરક્ષા માટે તેમાં ક્રેશ-રેઝિસ્ટન્ટ સીટ્સ, સેલ્ફ-સીલિંગ ફ્યુઅલ ટેન્ક અને આધુનિક એવિયોનિક્સ સૂટ આપવામાં આવ્યો છે.
આ હેલિકોપ્ટર માત્ર ભારતીય જ નહીં પરંતુ વૈશ્વિક નાગરિક ઉડ્ડયન બજારની કડક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્વદેશી રોટરી-વિંગ ક્ષમતાના ક્ષેત્રમાં આ એક મોટું સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે. તે પ્રવાસન, ઇમરજન્સી મેડિકલ સેવાઓ અને વીઆઇપી ટ્રાન્સપોર્ટ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.


