સુપ્રીમ કોર્ટનો આદેશ: તલાક લેનાર મુસ્લિમ મહિલાનો મહેર, રોકડ, સોનું અને અન્ય વસ્તુઓ પર અધિકાર
નવી દિલ્હીઃ નવોદિત ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે, તલાક લેનાર મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે માતા-પિતાએ અથવા સગા-સંબંધીઓએ તેને કે તેના પતિને આપેલી તમામ સંપત્તિ, મહેર, રોકડ, સોનું, ભેટો વગેરે પર કાનૂની હકદાર છે. કોર્ટે નોંધ્યું કે, આ નિર્ણય તલાક લેનાર મુસ્લિમ મહિલાઓની આર્થિક સુરક્ષા, સમ્માન અને સ્વાયત્તતાને મજબૂત કરશે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું કે, Muslim Women (Protection of Rights on Divorce) Act, 1986ની વ્યાખ્યા હંમેશા સમાનતા અને સ્વાયત્તતાના દ્રષ્ટિકોણથી થવી જોઈએ, માત્ર નાણાકીય વિવાદ તરીકે નહીં.
કોર્ટએ જણાવ્યું કે 1986નો કાયદો બનાવવાનો મુખ્ય હેતુ તલાક લેનાર મુસ્લિમ મહિલાઓના હકોનું રક્ષણ કરવાનો છે. નાના શહેરો શહેરો અને ગ્રામિણ વિસ્તારોમાં હજુ પણ જોવા મળતા પિતૃસત્તાત્મક ભેદભાવને ધ્યાનમાં રાખીને મહિલાની સંપત્તિને સુરક્ષિત કરવાનો અભિગમ અપનાવવો જરૂરી છે. કોર્ટએ વિશેષ રૂપે સેક્શન 3નો ઉલ્લેખ કર્યો, જે મુજબ મુસ્લિમ મહિલા તલાક પછી તે તમામ સંપત્તિ પર હક ધરાવે છે, જે લગ્ન પહેલા, લગ્ન સમયે અથવા લગ્ન પછી તેની તરફથી, તેના સગા-સંબંધીઓ, મિત્રો અથવા પતિ-પક્ષના લોકો દ્વારા આપવામાં આવી હોય.
સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈ કોર્ટના તે આદેશને રદ્દ કરી દીધો જેમાં પૂર્વ પતિને લગ્ન સમયે મળેલી સંપત્તિમાંથી એક મોટા ભાગનો હિસ્સો પરત ન આપવા રાહત આપી હતી. પીડિત મહિલાએ મુસ્લિમ વુમન ઍક્ટ 1986 ની કલમ 3 હેઠળ કેસ દાખલ કર્યો હતો અને રૂ. 17.67 લાખથી વધુ કિંમતની સંપત્તિ પાછી આપવા માંગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, “ભારતનું બંધારણ સર્વ માટે સમાનતાનું વચન આપે છે. આ દિશામાં કોર્ટને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર આધારિત નિર્ણય લેવો જોઈએ.” સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ મહિલા પોતાના બેંક એકાઉન્ટની વિગતો 3 વર્કિંગ ડેઝમાં પતિપક્ષના વકીલને આપશે. પૂર્વ પતિએ તમામ રકમ સીધી મહિલાના ખાતામાં જમા કરાવવાની રહેશે. આદેશના પાલન અંગેનો એફિડેવીટ 6 અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીમાં જમા કરાવવી ફરજિયાત છે. સમયમર્યાદામાં પાલન ન થાય તો પતિએ 9% વાર્ષિક વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે.


