1. Home
  2. ગુજરાતી
  3. મફતની લહાણીને બદલે રોજગારની તકો ઉભી કરવા સુપ્રીમ કોર્ટે કરી ટકોર
મફતની લહાણીને બદલે રોજગારની તકો ઉભી કરવા સુપ્રીમ કોર્ટે કરી ટકોર

મફતની લહાણીને બદલે રોજગારની તકો ઉભી કરવા સુપ્રીમ કોર્ટે કરી ટકોર

0
Social Share

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: દેશના રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે અપાતી મફત સુવિધાઓની સંસ્કૃતિ પર સુપ્રીમ કોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તમિલનાડુ વીજ બોર્ડ દ્વારા ગ્રાહકોને મફત વીજળી આપવાના વાયદા પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મફત સુવિધાઓની સંસ્કૃતિ આર્થિક વિકાસને રૂંધે છે.”

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું કે, ભારતના મોટાભાગના રાજ્યો પહેલેથી જ આર્થિક સંકટ અને દેવા હેઠળ દબાયેલા છે. તેમ છતાં, વિકાસના કાર્યોને બાજુ પર મૂકીને મફત સુવિધાઓ વહેંચવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે, જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે તેમને સહાય આપવી સમજાય છે, પરંતુ અમીર-ગરીબનો ભેદ રાખ્યા વગર તમામને મફત સુવિધાઓ આપવી એ ખોટી નીતિ છે. જો લોકોને સવારથી સાંજ સુધી મફત ભોજન, સાઈકલ અને વીજળી મળતી રહેશે, તો કામ કરવાની ભાવના ઓછી થઈ જશે.

કોર્ટે રાજ્યોને સલાહ આપી છે કે, મફત વસ્તુઓ વહેંચવાને બદલે રોજગારની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સવાલ ઉઠાવ્યો કે, “આપણે ભારતમાં કેવી સંસ્કૃતિ બનાવી રહ્યા છીએ? શું આ માત્ર મત મેળવવાની નીતિ નથી બની ગઈ?” આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ પાઠવી છે. હવે આગામી સુનાવણીમાં નક્કી કરવામાં આવશે કે આવી મફત વીજળી જેવી યોજનાઓ પર કેવા નિયમો લાગુ કરવા જોઈએ.

આ ટકોર એટલા માટે મહત્વની છે કારણ કે અનેક રાજ્યોમાં ચૂંટણી પહેલા મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, જેનાથી સરકારી તિજોરી પર બોજ વધે છે અને દેશનું આર્થિક સંતુલન બગડવાનો ખતરો રહે છે. સુપ્રીમ કોર્ટે સાફ સંદેશ આપ્યો છે કે ગરીબોની મદદ જરૂરી છે, પરંતુ વિચાર્યા વગરની લહાણી દેશના ભવિષ્ય માટે ઘાતક છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 2026-27ના બજેટ વિશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું? જાણો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code