
સુરતઃ દર્શનાબેનને ટેક્સટાઈલ મંત્રાલયની જવાબદારી સોંપાતા કાપડા ઉદ્યોગકારોને પડતર પ્રશ્નો ઉકેલાવાની આશા
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં સુરતના મહિલા સાંસદ દર્શનાબેન જરદોશને સ્થાન આપવામાં આવ્યું છે. ટેક્સટાઈલ વિભાગની જવાબદારી પિયુષ ગોયલ અને દર્શનાબેનને સોંપવામાં આવી છે. જેથી કાપડ ઉદ્યોગથી ધમધમતા સુરતના ટેક્સટાઈલના વેપારીઓને પોતાના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે તેવી આશા બંધાઈ છે. તેમજ સરકાર પાસે પેન્ડિંગ રૂ. 625 કરોડનું રિફંડ છૂટું થવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત કોમર્સ મિનિસ્ટ્રી અને ટેકસટાઇલ મિનિસ્ટ્રી સાથે હોવાથી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી સહિતના મુદ્દાનો પણ ઝડપથી ઉકેલ આવે તેવી વેપારીઓને આસા છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કાપડ મંત્રાલય અને કોમર્સ મંત્રાલય અલગ-અલગ મંત્રીઓ પાસે હોવાથી નિર્ણયોમાં વિલંબ થતો હતો. જોકે પિયુષ ગોયેલ પાસે બંને મંત્રાલય હોવાથી જરૂરી નિર્ણય ઝડપથી લેવામાં આવે તેવી શક્યતા છે. એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી તેમ જ ટફ ડ્યુટી સંબંધિત કેટલાક નિર્ણયો પણ ઝડપથી થશે. હવે કાપડ વેપારીઓ અને મોટાભાગની સમસ્યાઓનો અંત આવે તેવી શક્યતા છે. દર્શના જરદોષ પણ સુરતના વેપારીઓને સારી રીતે સમજે છે. જીએસટીઆર 4 તેમજ રિફંડ બ્લોક થઇ જવાની સમસ્યા વિશે પણ ઉકેલ આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ટફ યોજના માં મશીનરી ખરીદી પર પહેલાના સમયમાં 30 ટકા સબસિડી આપવામાં આવતી હતી. જે હાલ ઘટાડવામાં આવી છે, તે પણ વધારવામાં આવે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત જીએસટીમાં ઇનવર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના કારણે 625 કરોડ રૂપિયાની ડ્યુટી જામ થઈ ગઈ છે તે પણ મળે તેવી આશા છે.