
જખૌ નજીક બેટ ઉપરથી શંકાસ્પદ માદવ દ્રવ્યોનું પેકેટ મળ્યું, BSFની ટીમે શરુ કરી તપાસ
અમદાવાદઃ કચ્છના સરહદી વિસ્તાર જખૌ નજીક એક ટાપુ ઉપરથી તાજેતરમાં ચરસના પેકેટ બિનવારસી મળી આવવાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં ફરી એકવાર એક નિર્જન બેટ ઉપરથી શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે અને બેટ ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું. આમ જખૌ નજીકથી બિનવારસી હાલતમાં માદક દ્રવ્યો મળી આવવાનો શિલશિલો ફરીથી શરુ થયાનો ચર્ચાઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છનાં જખૌ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી છલ્લાં કેટલાક દિવસોથી ચરસના બિનવારસી પેકેટ મળી રહ્યા છે. ત્યારે બીએસએફ દ્વારા જખૌના દરિયા કિનારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મંગળ વારે મોડી રાત્રે બીએસેફની ટુકડીને જખૌ કિનારાથી 10 કિલોમીટર દૂર નિર્જન બેટ પરથી શંકાસ્પદ માદક પદાર્થનું એક પેકેટ મળી આવ્યું હતું. એક કિલો વજનનું સફેદ પેકેટ પ્લાસ્ટિક અને કપડાના ચાર પાંચ સ્તરોમાં લપેટી એક પ્લાસ્ટિકના બોક્સમાં પેક કરેલું હતું.
BSF દ્વારા પેકેટ મળી આવતા માદક પદાર્થની તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ જખૌની આસપાસથી શંકાસ્પદ હાલતમાં અનેકવાર ચરસના પેકેટ મળી આવ્યાં હતા. બીજી તરફ જખૌ નજીક ટાપુ ઉપરથી બિનવારસી હાલતમાં શંકાસ્પદ માદક દ્રવ્યોને લઈને તપાસ શરુ કરવામાં આવી છે. આ જથ્થો અહીં કોણ અને કેવી રીતે લાવ્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરુ કરવામાં આવી રહી છે. બીજી તરફ બીએસએફ દ્વારા જખૌના સરહદી વિસ્તારમાં પેટ્રોલીંગ વધારે તેજ કરી દેવામાં આવ્યું છે.