
સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિઃ અધ્યાત્મ પુનરુત્થાનના હેતુથી 500થી વધુ ગીતા-જ્ઞાનયજ્ઞો કર્યાં
સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિની સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી ચિન્મયાનંદજીનો જન્મ 8મી મે 1916ના રોજ થયો હતો. ભારતીય દર્શનો અને વંદાતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક સ્વામી ચિન્મયાનંદજીનું બાળપણનું નામ બાલકૃષ્ણ મેમન છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્નાકુલુમ અને ઉચ્ચશિક્ષણ ત્રિચુરની સેંટ થોમસમાં લીધું હતું. વર્ષ 1939માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બીએની ઉપાધિ મેળવી અને 1940માં અંગ્રેજી સાહિત્યના અનુસ્તાનક અને કાયદાના સ્નાતક થવા માટે લખનઉ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ 1942ના આંદોલન માટે અભ્યાસનો ત્યાગ કર્યો હતો.
કે.રામારાવે તેમને ધ નેશનલ હેરાલ્ડમાં પત્રકાર તરીકે નોકરી અપાવી હતી. તેઓ ઈતિહાસ, ભારતીય સંસ્કૃતિ, સામાજિક સમસ્યાથી લઈ રાજકારણ જેવા વિષયો વિશે પણ લખતા હતા. એકવાર સાધુ મહાત્મા વિશે જાણવા તેઓ હ્રષીકેશ ગયા હતા અને શિવાનંદસ્વામીજીને મળ્યાં હતા. એક અઠવાડિયા માટે આવેલા બાલકૃષ્ણ મેનન મહિનાઓ સુધી રોકાયાં હતા. વર્ષ 1943માં શિવરાત્રીના દિવસે સ્વામી શિવાનંદજી પાસે દીક્ષા-ગ્રહણ કરી ચિન્મયાનંદજી બન્યાં હતા. અહીં બે વર્ષ રહી સ્વામી તપોવનજી પાસે ઉત્તરકાશી ગયા અને ત્યાં ઉપનિષદો અને ધ્યાનયોગનો સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ઈ.વ. 1951ના રોજ ડિસેમ્બર માસમાં પુણેમાં ગણેશ મંદિરમાં પ્રથમ વખતે આપણે હિંદુ છીએ વિષયથી વ્યાખ્યાનની શરૂઆત કરી હતી. અધ્યાત્મ પુનરુત્થાનનના હેતુથી તેમણે 500થી વધુ ગીતા-જ્ઞાનયજ્ઞો કર્યાં હતા. વર્ષ 1953માં ચેન્નાઈમાં કેટલાક ભાવિકોએ વેદાંતના શિક્ષણ માટે એક જાહેર સ્થાન બનાવવાનો પ્રસ્તાવ મુક્યો અને 8મી ઓગસ્ટ 1953માં ચિન્મય મિશનની સ્થાપના થઈ હતી. ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃત કેળવવા દેશ-વિદેશમાં ધર્મ-સંપ્રદાય નાતજાતના ભેદ વિના આંતરવિકાસ અર્થે 1989માં સ્વામી તપોવનજીની જન્મશતાબ્દી પ્રસંગ્રે ચિન્મય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (સીઆઈએફ)ની સ્થાપના કોચીનમાં થઈ હતી.
તેમણે આઠ મુખ્ય ઉપનિષદો અને ભગવદ્ ગીતા પર અંગ્રેજીમાં ટીકા લખેલી છે, એમના કુલ પ્રકાશનો 101 જેટલા છે. પ્રાદેશિક ભાષાઓમાં એમના ગ્રંથોના અનુવાદ થયેલા છે. સ્વામીજીનાં પ્રવચનોની દ્રશ્યશ્રાવ્ય કેસેટો પણ ઉપલબ્ધ છે. 3જી ઓગસ્ટ 1993માં વિદેશમાં દેહ છોડ્યા પછી 7મીએ તેમના પાર્થિવદેહને વિમાન દ્વારા દિલ્હી લવાયો હતો અને હિમાચલ પ્રદેશમાં આવેલા સિદ્ધબારી આશ્રમમાં તેમને 9મી ઓગસ્ટે વિશ્વભરના ભાવિકોની ઉપસ્થિતિમાં ભૂસમાધિ આપવામાં આવી હતી.