1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટંકારાને અપાયો નગરપાલિકાનો દરજ્જો, હિંમતનગર પાલિકામાં 8 ગામો મર્જ, CMએ કર્યો નિર્ણય
ટંકારાને અપાયો નગરપાલિકાનો દરજ્જો, હિંમતનગર પાલિકામાં 8 ગામો મર્જ,  CMએ કર્યો નિર્ણય

ટંકારાને અપાયો નગરપાલિકાનો દરજ્જો, હિંમતનગર પાલિકામાં 8 ગામો મર્જ, CMએ કર્યો નિર્ણય

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના સુઆયોજિત વિકાસને વેગ આપવા સાથે ભવિષ્યની વિકાસ સંભાવનાઓ ધ્યાને લઈને શહેરી જનજીવન સુખાકારી માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે બે ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. આર્ય સમાજના સ્થાપક અને ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનું જન્‍મ સ્થળ ટંકારા આજે 22 હજાર જેટલી જનસંખ્યા ધરાવતું ગામ બની ગયું છે. ટંકારાના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખવા સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતીને 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

ટંકારા ગ્રામ પંચાયત સાથે મોરબી જિલ્લાની અન્ય બે ગ્રામ પંચાયતો આર્યનગર અને કલ્યાણપરને એકત્રિત કરીને આ નવી ટંકારા નગરપાલિકા કાર્યરત થશે. ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળવાથી જાહેર આરોગ્ય અને સ્વચ્છતા, રોડ-રસ્તાની જાળવણી, પીવાનું શુદ્ધ પાણી, જાહેર સ્ટ્રીટ લાઈટ તેમજ ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધા સુખાકારીના કામોને વેગ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક નિર્ણય એવો પણ કર્યો છે કે, હિંમતનગર નગરપાલિકા વિસ્તાર બહાર આવેલી પેરીફેરી ઉપરના બળવંતપુરા (નવા), બેરણા, કાંકણોલ, હડીયેલ, પીપલોદી, કાટવાડ, પરબડા અને સવગઢ એમ કુલ ૮ ગામોના હિંમતનગરે અડીને આવેલા સોસાયટી વિસ્તારોને હિંમતનગર નગરપાલિકામાં ભેળવવામાં આવ્યા છે. એટલું જ નહીં, હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ પણ હિંમતનગર નગરપાલિકામાં ભળતા આ હોસ્પિટલને વધારે સારી નાગરિક સુવિધાઓ મળશે જે સરવાળે પ્રજાજનોની સુખાકારીના વધારામાં પરિવર્તિત થશે.

હિંમતનગર નગરપાલિકા આજુબાજુની પેરીફેરી પરના વિસ્તારોમાં વ્યવસ્થિત વિકાસ આયોજન થવા સાથે રસ્તાઓની પહોળાઈ વધારીને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અને પેરીફેરીના ગામોમાં ભવિષ્યના ડેવલપમેન્ટ સંદર્ભમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ આપવા આ ગામોના વિકસિત સોસાયટી વિસ્તારોને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ભેળવવાની મંજૂરી શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી પાસે માંગવામાં આવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર બાબતોની સર્વગ્રાહી વિચારણા કરીને હિંમતનગર નગરપાલિકામાં 8 ગામોના બિનખેતી વિસ્તારના અમુક સર્વે નંબરો ભેળવીને સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટર વ્યવસ્થા સહિતની વિવિધ પાયાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનાં દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી ગ્રાન્ટ વિકાસ કામો માટે મળતી થશે અને આ સોસાયટી વિસ્તારો શહેરના અન્ય વિસ્તારો સમકક્ષ વિકાસ કામો પણ હાથ ધરી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code