
એન્જિનિયરિંગ કોલેજોમાં નવા અભ્યાસક્રમોમાં ટીચિંગની જવાબદારી જૂના પ્રોફેસરોને સોંપાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ડિપ્લોમા અને ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ઉદ્યોગોની માગ મુજબ નવા અભ્યાસક્રમો શરી કરવામાં આવતા હોય છે. દર વર્ષે વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તેના ધ્યાનમાં રાખીને નવા કોર્ષ શરૂ કરવામાં આવતા હોય છે. બીજીબાજુ ડિગ્રી અને ડિપ્લોમાંની ઘણીબધી બેઠકો પ્રવેશના અંતે ખાલી રહેતી હોય છે. ત્યારે સરકારી ઈજનેરી કોલેજોમાં સરપ્લસ થતાં અધ્યાપકોને નવા કોર્ષ ભણાવવાની કામગીરી સોંપવામાં આવી રહી છે. સરકારી ઇજનેરી અને સરકારી પોલિટેકનિકમાં ચાલતા અભ્યાસક્રમો પૈકી કેટલાક કોર્સમાં પૂરતી સંખ્યામાં અધ્યાપકો મળતાં નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે પરસ્પર સમકક્ષ ગણાતા વિષયોના અધ્યાપકોને પરસ્પર કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ડિપ્લોમા અને ડિગ્રીના કયા વિષયોના પ્રોફેસરો અન્ય કયા વિષયો ભણાવી શકશે તેની સ્પષ્ટતા અને જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી રહી છે. માત્ર સ્વનિર્ભર કોલેજોમાં જ નહીં પણ સરકારી ઇજનેરી કોલેજોમાં પણ બેઠકો ખાલી રહે છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે દર વર્ષે નવા નવા વિષયોમાં ઇજનેરી થઇ શકે તેવી જાહેરાત કરવામાં આવી છે. જોકે, નવી બ્રાન્ચો જાહેર કરવામાં આવે છે તેની સાથે જે તે વિષયના નિષ્ણાત પ્રોફેસરોની ભરતી થતી નથી. પરિણામે અનેક વિષયો એવા છે કે જેમાં પ્રોફેસરો જ મળતાં નથી. આમ, સરવાળે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ભારે મુશ્કેલી નડી રહી છે. આ પ્રકારની સમસ્યા નિવારવા માટે હવે શિક્ષણ વિભાગે મુખ્ય વિષયના પ્રોફેસરો સાથે સાથે અન્ય કયા વિષયમાં અભ્યાસ કરાવી શકે તેમ છે તેની યાદી જાહેર કરવામાં આવી છે. જે બે વિષયો સંપૂર્ણ રીતે એક સરખા હોય, 10 ટકાથી લઇને 50 ટકા સુધી સમાનતા હોય તો તેવા વિષયોને મુખ્ય વિષયના પ્રોફેસરોને ભણાવવાની જવાબદારી સોંપવાનું નક્કી કરાયું છે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા ડિપ્લોમા અને ડિગ્રીના મુખ્ય વિષયો અને આનુસાંગિક વિષયોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મિકેનિકલ અને પ્રોડક્શન એન્જિનિયરિંગના પ્રોફેસરો ઓટો મોબાઇલ ઇજનેરીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકશે. કારણ કે મિકેનિકલનો અભ્યાસક્રમ અને ઓટો મોબાઇલનો અભ્યાસક્રમ 50 ટકા અને પ્રોડક્શન અને ઓટો મોબાઇલનો સીલેબસ 20 ટકા સમાન છે. આ જ રીતે ઇસી, આઇસી, ઇલેક્ટ્રિક અને પાવર ઇલેક્ટ્રોનિક્સના પ્રોફેસર બાયો-મિકેનિકલ ઇજનેરીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકશે. આ ઉપરાંત કેમિકલ ઇજનેરીના પ્રોફેસર એન્વાર્યમેન્ટ અને સિવિલ ઇજનેરીના પ્રોફેસર એપ્લાઇડ મિકેનિક્સ અને એન્વાર્યમેન્ટ ઇજનેરીમાં અભ્યાસ કરાવી શકશે. ઇસીના પ્રોફેસર ઇલેકટ્રિક, આઇ.સી., પાવર, બાયો મિકેનિકલ અને આઇટીના વિષયમાં પણ ભણાવી શકશે. જુદા જુદા 25 મુખ્ય વિષયની સાથે સામ્યતા ધરાવતાં હોય તેવા વિષયમાં આ પ્રોફેસરોને વધારાની કામગીરી કરી શકાશે. આજ રીતે ડિપ્લોમા ઇજનેરીના જુદા જુદા 28 વિષયોના પ્રોફેસરો કયા વિષયોની સાથે કયા વિષયો ભણાવી શકશે તેની વિસ્તૃત જાહેરાત કરાઈ છે.