
- વોટ્સએપ પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા વિરુદ્વ વોટ્સએપની કાર્યવાહી
- વોટ્સએપે 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ્સ બ્લોક કર્યા
- વોટ્સએપેના અહેવાલ અનુસાર 345 યૂઝર્સ સામે લીગલ નોટિસ મળી
નવી દિલ્હી: ભારતમાં મોટા પ્રમાણમાં લોકો વોટ્સએપનો યૂઝ કરે છે. જો કે કેટલાક ભારતીય યૂઝર્સ આ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરતા હોવાથી તેની વિરુદ્વ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરતા આવા 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, વોટ્સએપે 15મી મે થી 15મી જૂન દરમિયાનના 1 માસમાં 20 લાખ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી. આ યૂઝર્સમાંથી મોટા ભાગના યૂઝર્સ વાંધાજનક સામગ્રી અસંખ્ય યૂઝર્સને ફોરવર્ડ કરી હતી. વોટ્સએપેના અહેવાલ અનુસાર 345 યૂઝર્સ સામે લીગલ નોટિસ મળી હતી.
યૂઝર્સના એકાઉન્ટ્સ બ્લોક કરવા અંગે વોટ્સએપે કહ્યું હતું કે, અમારો હેતુ હાનિકારક અને વાંધાજનક મેસેજ ફોરવર્ડ ના થાય તે દિશામાં છે. મેસેજની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે અને તેનો દુરુપયોગ ના થાય તે માટે કંપની એવા યૂઝર્સ સામે કાર્યવાહી કરે છે, જે પ્લેટફોર્મનો દુરુપયોગ કરે છે.
૯૫ ટકા એવા યુઝર્સ સામે જ કાર્યવાહી થઈ હતી, જેમણે જથ્થાબંધ મેસેજ મોકલ્યા હતા અને તેની સામે વ્યાપક ફરિયાદ ઉઠી હતી. વોટ્સએપે કહ્યું હતું કે યુઝર્સને ૩૦-૪૫ દિવસની નોટિસ પાઠવવામાં આવે છે. અચાનક કાર્યવાહી કરવામાં આવતી નથી.
નોંધનીય છે કે, વર્ષ 2019 પછી વોટ્સએપ એકાઉન્ટ બેન થવાનું પ્રમાણ વધ્યું છે. વોટ્સએપ વિશ્વભરમાં દર મહિને 80 લાખ જેટલા એકાઉન્ટ્સ પર રોક લગાવે છે.