
અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં તુલસી વિવાહ બાદ લગ્નગાળાની મોસમ ખીલી ઊઠી હતી. મહાનગરોથી લઈને ગામડાંઓમાં પણ ધૂમ લગ્નો યોજાતા કેટિંરિંગ, પાર્ટીપ્લોટ્સ, કેડોરેશન,ફોટોગ્રાફરોથી લઈને અનેક ધંધામાં તેજી જોવા મળી હતી. બજારોમાં પણ લગ્નગાળાની સીઝનને લીધે ઘરાકી નીકળી હતી. હવે તા.16મી ડિસેમ્બરને શુક્રવારથી કમૂર્તા બેસી જતાં હોવાથી માંગલિક પ્રસંગો યાજી શકાસે નહીં. એટલે લગ્નના ઢોલ ઢબુકતા બંધ થઈ જશે.
કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ માગસર વદ આઠમને શુક્રવાર તા.16-12-2022ના સવારના 9.59 કલાકે સૂર્ય ધન રાશીમાં પ્રવેશ કરશે અને કમુહૂર્તાનો પ્રારંભ થશે સાથે લગ્નના ઢોલ વાગતા બંધ થશે. કમુહૂર્તા દરમિયાન લગ્ન વાસ્તુ થઇ શકતા નથી. તે સિવાયના બધા જ કાર્યો કરી શકાય છે. કમુહૂર્તામાં સત્યનારાયણની કથા, રાંદલ, ચંડીપાઠ, લઘુરૂદ્ર, નવગ્રહ શાંતિ જાપ આ બધા જ કાર્યો થઇ શકે છે. તા.14-12-22ના દિવસે લગ્નનું છેલ્લુ મુહૂર્ત છે. ત્યારબાદ કમુહૂર્તા પૂર્ણ થયા બાદ તા.17-1-23ના દિવસે લગ્નનું પ્રથમ મુહૂર્ત છે. આમ એક મહિના સુધી લગ્નમાં બ્રેક રહેશે. તા.16-12-22 થી તા. 14-1-23ના રાત્રીના 8.46 કલાકે સૂર્ય મકર રાશીમાં જશે અને કમુહૂર્તા પુરા થશે.
કર્મકાંડી પંડિતોએ જણાવ્યું હતું કે, કમૂરતામાં માંગલિક પ્રસંગો યોજી શકાતા નથી. પરંતુ ધાર્મિક પ્રસંગો યાજી શકાય છે. લોકોએ 365 દિવસ આખુ વર્ષ સૂર્યને અર્ધ આપવું જોઇએ. કમુહૂર્તા દરમિયાન તહેવારોની વિગત જોઈએ તો (1) સફલા એકાદશી તા. 19-12-22, (2) શાકંભરી નવરાત્રી પ્રારંભ તા. 30-12-22, (3) પુત્રદા એકાદશી તા.2-1-23, (4) પોષી પુનમ તા. 6-1-23, (5) રવિ પુષ્યામૃત યોગ તા.8-1-23, (6) અંગારકી ચોથ તા. 10-1-23 મંગળવાર અને (7) મકર સંક્રાંતિ તા. 14-1-23 રોજ મનાવાશે