
ભાવનગર-બાંદ્રા ટ્રેન હવે તા.29મી જૂનથી પુન: દૈનિક દોડશે
ભાવનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તેથી તમામ રોજગાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. જાહેર પરિવહન સેવા એસટી અને રેલવેમાં પણ મુસાફરો વધતા જાય છે. તેથી રેલવેએ કેટલીક ટ્રેનો જે અગાઉ સાપ્તાહિક દોડાવવામાં આવતી હતી તે હવે દૈનિક દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં સપ્તાહમાં ત્રણ વખત દોડાવવામાં આવી રહેલી ભાવનગર-બાંદ્રા ટ્રેનને આગામી તા..29મી જુનથી દૈનિક દાડાવવામાં આવશે. સમગ્ર મહારાષ્ટ્રથી ભાવનગરમાં આવવા-જવા માટે ભાવનગર-બાંદ્રા ટ્રેનનો ઉપયોગ યાત્રિકો સારી રીતે કરે છે અને મોટાભાગે આ ટ્રેન પેક હોય છે. પાલિતાણા જૈનોનું યાત્રાધામ છે, અને જુલાઇ મહિનાથી ચાર્તુમાસ બેસતો હોવાથી યાત્રા બંધ થઇ જાય છે તેથી યાત્રિકોનો અત્યારે ભારે ધસારો રહેતો હોય છે.
ભાવનગર-બ્રાંદ્રા ટ્રેન હવે તા. 29મી જુનથી દૈનિક દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સપ્તાહમાં ત્રણ વખત દોડાવવામાં આવતી હતી તેથી ભાવનગરથી મુંબઈ જનારા મુસાફરોને ખૂબજ મુશ્કેલી પડતી હતી. ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે પણ ભાવનગર-બાંદ્રા ટ્રેનને દૈનિક કરવા માટે રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆતો કરી હતી. આગામી તા.29મી જુનથી ભાવનગર-બાંદ્રા ટ્રેનને દૈનિક કરવાની ઘોષણા રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. ભાવનગર-બાંદ્રા ટ્રેન જ્યારથી શરૂ કરવામાં આવેલી છે ત્યારથી તેને સારો પ્રતિસાદ મળે છે.