
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી એમાં યુવા મતદારોનો મોટો ફાળો છે. ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ શિક્ષિત યુવા વર્ગને અન્યાય ન થાય તે માટે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે સરકાર વિચારણા કરી છે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સથી કામ કરનારાને નિયમ મુજબ પુરતું વેતન ન આપીને કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓને પણ નિયમ મુજબનું પુરતું વેતન મળતું નથી.એવું કહેવાય છે. કે, મુખ્યમંત્રી અને વિવિધ મંત્રીઓ વચ્ચે પણ આ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અત્યારે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરતી કરવાની પ્રથા અમલમાં છે. ફિક્સ પગાર પ્રથા એટલે કર્મચારીની ભરતી રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે છે અને અમુક ચોક્કસ સમયગાળા પછી તેમને કાયમી કરવામાં આવે છે. જ્યારે કોન્ટ્રાક્ટ પ્રથા એટલે કે ખાલી જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. આઉટસોર્સિંગ એટલે કોઈ એજન્સી મારફતે રાજ્ય સરકારને જરૂરી માનવ બળ પૂરું પાડવામાં આવે છે. આ ત્રણ પદ્ધતિથી સરકાર અત્યારે ભરતી કરી રહી છે. રાજ્યમાં ફિક્સ પગારના 3.80 લાખ અને કોન્ટ્રાક્ટ તેમ જ આઉટસોર્સિંગ મળી કુલ 10.80 લાખ કર્મચારી છે. આ પદ્ધતિને દૂર કરી સરકાર કાયમી કર્મચારીની ભરતી કરવાની પદ્ધતિ પર આવવા વિચારણા કરી રહી છે. આગામી બજેટમાં આ માટેની પૂરતી નાણાકીય જોગવાઈ કરીને સરકાર ફિક્સ, કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ પ્રથા દૂર કરે તેવી શક્યતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં જુદી જુદી સરકારી કચેરીઓમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ મળીને કુલ 10.80 લાખ કર્મચારીઓ છે. આગામી વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર મોટી નાણાંકીય જોગવાઇ સાથે આ પ્રથાના દૂર કરીને કાયમી ભરતીઓ પર આગળ વધે તેવી ગતિવિધિ હાથ ધરાઇ છે. (file photo)