
સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે 22માં સાંસ્કૃતિક વન વટેશ્વરનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આજે તા. 12મી ઓગસ્ટને શુક્રવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો 73મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રાજ્યના 22માં સાંસ્કૃતિક વન ‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ કરી ખુલ્લુ મુકશે. 73માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં કુલ 10.35 કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.
રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવિક વિવિધતામાં વધારો કરવાના પ્રયાસ રૂપે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વર્ષ-2004થી વન મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક વનોની સ્થાપનાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ શ્રૃખંલામાં છેલ્લાં 18 વર્ષમાં કુલ 21 સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દુધરેજ ખાતે આયોજિત 73માં વન મહોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ધારાસભ્ય ધનજી પટેલ તેમજ પુરુષોત્તમ સાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી પુનિત વન-ગાધીનગર, માંગલ્ય વન-બનાસકાંઠા, તીર્થંકર વન-મહેસાણા, હરિહર વન-ગીરસોમનાથ, ભક્તિ વન-સુરેન્દ્રનગર, શ્યામલ વન-અરવલ્લી, પાવક વન-ભાવનગર, વિરાસત વન-પંચમહાલ, ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન-મહીસાગર, નાગેશ વન-દેવભૂમિ દ્વારકા, શક્તિ વન- રાજકોટ, જાનકી વન-નવસારી, આમ્ર વન-વલસાડ, એકતા વન-સુરત, શહીદ વન-જામનગર તથા મહીસાગર વન-આણંદ, વીરાજંલી વન-સાબરકાંઠા, રક્ષક વન-કચ્છ, જડેશ્વર વન-અમદાવાદ, રામવન-રાજકોટ, મારુતિ નંદન વન-વલસાડ એમ 21 વન બનાવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે બનેલા આ “વટેશ્વર વન” રાજ્યનું 22મું વન હશે. આ વન પ્રકૃતિ પ્રેમીઓ, વન વિહાર કરનારાઓ, મુલાકાતીઓ-પ્રવાસીઓ માટે અનન્ય વિરાસત પુરવાર થશે.