
રાજકોટઃ કોરોનાના કપરા કાળ બાદ સરકારે નિયંત્રણો હળવા કરતાં રોજગાર ધંધા રાબેતા મુજબ બન્યા છે. જેમાં દિવાળીથી દરેક ધંધામાં તેજી જોવા મળી રહી છે. હાલ લગ્નસરાની સીઝન હોવાથી જવેલર્સ અને સોના-ચાંદીના વેપારીઓમાં ચમક જોવા મળી રહી છે. લગ્ન સિઝનને કારણે હાલમાં પણ માર્કેટમાં ખરીદી અને રોનક જોવા મળી રહી છે. હાલમાં રાજકોટમાં રોજના 1 લાખ દાગીના બની રહ્યા છે. જે ગત વર્ષ- સિઝન કરતા 50 ટકા વધારે છે. એક સમય હતો જ્યારે કારીગરોને માત્ર 3 કે 6 કલાકનું કામ મળતું હતું. તેના બદલે હવે અત્યારે કારીગરો 12-12 કલાક કે તેથી વધુ કલાકો કામ કરી રહ્યા છે.
રાજકોટના સોની બજારમાં દાગીના બનાવવાનો મોટો વ્યવસાય છે. રાજકોટમાં સોના-ચાંદીના બનેલા ઘરેણાં મહાનગરોના જવેલર્સ અને સોનાના વેપારીઓને મોકલવામાં આવતા હોય છે. હાલ લગ્નગાળાની સિઝનને લીધે ધૂમ ઘરાકી નિકળી છે. તેથી માગને પહોંચી વળવા કારીગરો રાત-દિવસ કામ કરી રહ્યા છે. તેમજ યુનિટો ત્રણ- ત્રણ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. રાજકોટમાં રોજ અત્યારે 50 કિલો સોનું વેચાઈ રહ્યું હોવાનું રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનનું માનવું છે. રાજકોટમાંથી બનેલા દાગીના ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ સહિત આખા દેશમાં જાય છે. હાલમાં પ્લેન ગોલ્ડ જ્વેલરી, એન્ટિક જ્વેલરી, કાનની બૂટી, નાકની ચૂંક, બ્રેસલેટ, નેકલેસ વગેરેની ડિમાન્ડ અત્યારે વધારે હોવાનું કહેવાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સોનામાં માગ વધવાનું કારણ એ માનવામાં આવે છે કે, ગુરુ પુષ્ય નક્ષત્ર, દિવાળી અને લગ્ન સિઝનને કારણે ખરીદી વધી હતી. તેમજ કોરોના બાદ દરેક ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે અને લોકો પાસે લિક્વિડિટી વધી છે. તથા કોરોના બાદ લોકો બચત પર વધુ ભાર મૂકે છે. આ બચતનું વળતર ભવિષ્યમાં પણ મળી રહે તે માટે રોકડનું રોકાણ સોનામાં કરતા થયા છે. અને સંકટ સમયમાં પણ ઉપયોગી બને તે માટે લોકોએ સોનું ખરીદવાનું સૌથી વધુ આગ્રહ રાખે છે.