
અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીમાં વધારો થતાં શહેરમાં પાણીનો વપરાશ પણ વધી રહ્યો છે. સામાન્યરીતે શહેરમાં રોજના 166 કરોડ લિટર પાણીનો વપરાશ થતો હોય છે. પરંતુ ગરમી વધી જતાં આ વપરાશ રોજના 10થી 12 કરોડ વધી 178 કરોડ લિટરથી 180 કરોડ લિટર સુધી પહોંચી ગયો છે. આમ શહેરમાં પાણીની વપરાશ વધી રહી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના લોકોને નળ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મ્યુનિ. દ્વારા શહેરીજનો માટે નર્મદાનું પાણી પ્રતિ 1 હજાર લિટરના રૂ.6 દરે નિગમ પાસેથી ખરીદવામાં આવે છે. એટલે પ્રતિદિન 166 કરોડ લિટર પાણીનો વપરાશ ગણીએ તો રૂપિયા 99.60 લાખ જેટલી રકમનું પાણી પ્રતિદિન ખરીદીને વિતરણ કરવામાં આવે છે. હવે ઉનાળાને લીધે 10થી 12 કરોડ લિટર પાણીનો વપરાશ વધતા રોજના રૂ. 6 લાખ જેટલી રકમ વધારે ચૂકવવી પડી રહી છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરને દૈનિક ધોરણે પૂરા પાડવામાં આવતાં સરેરાશ 166 કરોડ લિટર પાણીના જથ્થામાંથી સૌથી વધુ 29.62 કરોડ લિટર પાણીનો જથ્થો પશ્ચિમ ઝોનને આપવામાં આવે છે. આ ઉપરાંત દક્ષિણ ઝોન તેમજ પૂર્વ ઝોનને અનુક્રમે 25.56 કરોડ અને 25.45 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. 10 વર્ષ પહેલાં રોજના સરેરાશ 126 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવતું હતું. આમ છેલ્લા 10 વર્ષમાં જ પાણીના દૈનિક સપ્લાયમાં અંદાજે 40 કરોડ લિટરનો વધારો થયો છે. હજુ એપ્રિલ પૂરો થવામાં 11 દિવસ બાકી છે અને મે તેમજ જૂન મહિનો પણ બાકી હોવાથી પાણીના દૈનિક વપરાશમાં મોટો વધારો થવાની શક્યતા છે. છેલ્લા 4 વર્ષમાં શહેરની હદમાં બોપલ, ઘુમા, કઠવાડા સહિતની પાલિકાઓનો શહેરની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી પણ પાણીના વપરાશમાં વધારો થયો હોવાનું મનાય છે. નવા ભેળવાયેલા વિસ્તારોને પાણી પૂરું પાડવા મ્યુનિ.એ વધારાના 24 વોટર પમ્પિંગ સ્ટેશન તૈયાર કર્યા છે. આ વિસ્તારોમાં મોટાપાયે રહેણાક અને કોમર્શિયલ બિલ્ડિંગો આવેલી છે. શહેરમાં માથાદીઠ પાણીનો વપરાશ પણ 195થી 205 લિટર સુધી પહોંચી ગયો છે. હજુ તેમાં વધારો થવાની શક્યતા છે. મ્યુનિ.ના ડેટા મુજબ નવેમ્બર 2023માં રોજ સરેરાશ 157.9 કરોડ લિટર પીવાનું પાણી પૂરું પડાતું હતું. જે વધીને એપ્રિલ 2024માં 163.3 કરોડ લિટરે પહોંચ્યું હતું.