એલપીજી સિલેન્ડર બુકીંગના ચાર-પાંચ દિવસમાં ગ્રાહકને મળશે
નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: દેશમાં હાલમાં એલપીજી ગેસ સિલિન્ડરને લઈને ગ્રાહકોમાં થોડી ચિંતા જોવા મળી રહી છે, પરંતુ ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં રાંધણ ગેસની કોઈ અછત નથી. તેથી નાગરિકોએ ગભરાઈને ઉતાવળમાં બુકિંગ કરવાની જરૂર નથી.
સામાન્ય નિયમો અનુસાર, ગેસ બુક કર્યાના 2 થી 3 દિવસની અંદર ગ્રાહકના ઘરે સિલિન્ડરની ડિલિવરી થવી અનિવાર્ય છે. જોકે, વર્તમાન પરિસ્થિતિ અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, “અગાઉ જે સિલિન્ડર 2-3 દિવસમાં મળી જતો હતો, તેમાં અત્યારે પૅનિક બુકિંગ વધવાને કારણે 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે.” મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે પણ પુરવઠા સાંકળ પર થોડી અસર પડી છે, પરંતુ સરકાર આશાવાદી છે કે ટૂંક સમયમાં સ્થિતિ પૂર્વવત થઈ જશે.
સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા મુજબ તમે ચોક્કસ દિવસોના અંતરે જ નવું બુકિંગ કરી શકો છો. શહેરોમાં તમે દર 25 દિવસે ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. ગામડાઓમાં આ મર્યાદા 45 દિવસની રાખવામાં આવી છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પૅનિક બુકિંગને કારણે ડિલિવરી સિસ્ટમ પર દબાણ વધે છે, જેનાથી જરૂરિયાતમંદ લોકોને સમયસર સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં જ 2-3 દિવસમાં ડિલિવરીની જૂની વ્યવસ્થા ફરી શરૂ થઈ જશે.
આ પણ વાંચોઃ દિલ્હી સરકારની નવી EV પોલિસી 2026 જાહેર: ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને મળશે રૂ.1 લાખ સુધીની સબસિડી


