અમદાવાદઃ દિવાળીના તહેવારોને લઈને એસટી નિગર દ્વારા ખાસ બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ઘરમાં પુરાઈ રહેલા લોકો પણ વેકેશનમાં પરિવાર સાથે નજીકના હિલસ્ટેશન તથા ફરવા લાયક સ્થળો ઉપર જવાનું આયોજન કરી રહ્યાં છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વધારાની એસટી બસો દોડાવવાની સાથે એડવાન્સ ટિકીટ બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક જ દિવસમાં રૂ. એક કરોડથી વધારેની ટિકીટનું બુકીંગ થયું હોવાનું જાણવા મળે છે.
દિવાળીના તહેવારોને લઇને તા. 29 ઓક્ટોબરથી તા. 4 નવેમ્બર સુધીએસ.ટી.નિગમ દ્વારા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માટે 1500 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. દિવાળી વતનમાં મનાવવી, રજાઓમાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ હરવા-ફરવા જવાનું ચલણ વધુ હોવાથી લોકો ફરજા જાય છે. બીજી તરફ એસટી દ્વારા એડવાન્સ ટિકીટ બુકિંગની સેવાનો પણ પ્રારંત્ર કર્યો છે.
એક જ દિવસે 45 હજારથી વધારે ટિકિટ બુક થઇ હતી જેના થકી રૂ. એક કરોડથી વધારેની આવક થઈ હતી. રૂપિયાની આવક થવા પામી છે. મોબાઇલ થકી 12838 ટિકિટ બુક થવા પામી હતી જ્યારે કાઉન્ટર પરથી 12656 જ્યારે ઓનલાઇન 5121 ટિકિટ બુક થઇ હતી. ચાલુ માસમાં તા.1ઓક્ટોબરથી તા.21 ઓક્ટોબર સુધીમાં એસ.ટી.બસની કુલ 8.72 લાખથી વધારે ટિકિટ બુક થઇ હતી. જેના થકી નિગમને ૧૯.૩૬ કરોડની જંગી આવક થઈ હોવાનું જાણવા મળે છે.
સામાન્ય દિવસોથી 20થી 25 હજાર જેટલી ટીકીટનું બુકીંગ થાય છે. પરંતુ હાલ આ આંકડો 40 હજારથી વધારે હોવાનું જાણવા મળે છે. દિવાળીના તહેવારોને લઇને એસ.ટી.નિગમને ભારે આર્થિક લાભ મળી રહ્યો છે. કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષમાં ભારે ખોટમાં બસો ચાલી હતી. આ વર્ષે દિવાળીમાં મુસાફરો કોરોનાનો ડર રાખ્યા વગર જ બહાર નીકળી રહ્યા છે.