
ભાવનગરઃ શહેરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવને ચાર વર્ષ પહેલા જ રૂપિયા 10 કરોડના ખર્ચે નવિનિકરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મ્યુનિ.ના તંત્ર દ્વારા કોઈ જ તકેદારી રાખવામાં ન આવતા હાલ તળાવમાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય બની ગયુ છે. તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. મ્યુનિ.ના સત્તાધિશો એવા દાવો કરી રહ્યા છે. કે, પખવાડિયા પહેલા જ ગંગાજળિયા તળાવમાંથી ગંદકી દુર કરવાની સુચવા આપવામાં આવી છે. પણ હકિકત એ છે કે, સુચના આપ્યા બાદ પણ કોઈ જ કામગીરી થઈ નથી.
ભાવનગર શહેરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવનું આશરે ચાર વર્ષ પહેલાં 10 કરોડના ખર્ચે રીનોવેશન કરાયું હતુ. ત્યારબાદ મ્યુનિ.ના તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં ન આવતા હાલ તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવમાં વનસ્પતિ ઉગી ગઈ છે, એને કાઢવાનો પણ સમય નથી. કરોડો નાખ્યા પછી સ્વચ્છતા જાળવવી પડે, એ નથી જાળવી શકતા. તળાવનું મેન્ટેનન્સ રાખવું પડે પણ રખાતું નથી. અન્ય પ્રોજેક્ટમાં પણ મેન્ટેનન્સ દેખાતું નથી. ગંગાજળિયા તળાવની બાજુના રસ્તા પર ચાલતા લોકોને દુર્ગંધના કારણે લોકો બીજા રસ્તે ચાલવાની ફરજ પડી રહી છે.
શહેરીજનોના કહેવા મુજબ લોકોને હરવા ફરવા મળી રહે તે માટે કરોડોના ખર્ચે તળાવને વિકસાવવામાં આવ્યું છે. પરંતુ તળાવમાં વનસ્પતિ અને કચરાની દુર્ગંધના કારણે અહીં હરવા ફરવા કોઈ આવતું નથી, રડ્યા ખડયા લોકો જોવા મળે છે. એક વર્ષથી ખરાબ સ્થિતિ અંગે શાસકો લુલો બચાવ કરી રહ્યા છે.
આ અંગે વિપક્ષ કોંગ્રેસના કહેવા મુજબ ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં સાફ-સફાઈને લઈને ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવી રહી છે અને પોતાના જ તળાવની સફાઈ કરવામાં બેદરકારી દાખવી રહી છે. ગંગાજળિયા તળાવનું રીનોવેશન પાર્કિંગ માટે કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તળાવમાં ફરવા માટે તો લોકો આવતા નથી, પરંતુ પાર્કિંગ કરવા માટે જરૂર પહોંચી રહ્યા છે. તળાવની નજીક જ બજાર હોવાને કારણે મોટા વાહનોનું પે પાર્કિંગ ખડકી દેવાયું છે. દસ કરોડનો ખર્ચ લોકોની સુવિધા માટે નહીં પણ પે પાર્કિંગથી કમાણી કરવા માટે કર્યો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.