
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી આજે ‘ભારત છોડો આંદોલન’ પર પ્રદર્શની ઉદ્દઘાટન કરશે
- ‘ભારત છોડો આંદોલન’ પર પ્રદર્શનનું ઉદ્દઘાટન
- કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી કરશે ઉદ્દઘાટન
- નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે આયોજિત
દિલ્હી :કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી રવિવારે સવારે સાડા અગિયાર વાગ્યે ‘ભારત છોડો આંદોલન’ પર એક પ્રદર્શનનું ઉદ્દઘાટન કરશે. આ પ્રદર્શન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી રહ્યું છે. રવિવારે ભારત છોડો આંદોલનના 79 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રદર્શન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો એક ભાગ છે જે આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે ઉજવવામાં આવી રહ્યું છે. ઉદ્દઘાટનમાં સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને અર્જુન રામ મેઘવાલ પણ ઉપસ્થિત રહેશે.
સંસ્કૃતિ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “આ પ્રદર્શન ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ‘ભારત છોડો આંદોલન’ના મહત્વને જાહેર રેકોર્ડ, ખાનગી પત્રો, નકશા, ફોટોગ્રાફ્સ અને સંબંધિત સામગ્રી દ્વારા દર્શાવવાનો પ્રયાસ છે. આ પ્રદર્શન સામાન્ય લોકો માટે 9 ઓગસ્ટથી 8 નવેમ્બર 2021 સુધી સવારે 10.00 થી સાંજે 5.30 સુધી ખુલ્લું રહેશે.
8 ઓગસ્ટનો દિવસ દેશની આઝાદીની લડતમાં વિશેષ મહત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, મહાત્મા ગાંધીએ 8 ઓગસ્ટ 1942 ના રોજ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી, જેમાં ભારતમાં બ્રિટિશ શાસનનો અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી. આ પછી આઝાદીની ચળવળ ઉગ્ર બની હતી. આ દિવસે 1942 માં, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા બોમ્બેમાં એક સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્ર બોમ્બેના ગ્વાલા ટેન્ક મેદાનમાં થયું, પરંતુ તે દિવસથી તે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે જાણીતું બન્યું.
મહાત્મા ગાંધીએ આ સમયગાળા દરમિયાન ‘કરો અથવા મરો’ સૂત્ર પણ આપ્યું હતું. 8 ઓગસ્ટના આહવાન પછી, આ આંદોલન દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાયું. આંદોલનને દબાવવા માટે અંગ્રેજોએ સામૂહિક ધરપકડ પણ શરૂ કરી હતી. આમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધી સાથે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અબુલ કલામ આઝાદ વગેરેની પણ ધરપકડ કરવામાં આવી હતી.