
અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરની કામગીરી ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ થઈ જશે
નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર કરાયા બાદ રામલલાની મૂર્તિની ગત જાન્યુઆરી મહિનામાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી ડિસેમ્બર મહિના પૂર્ણ સમગ્ર મંદિર તૈયાર થઈ જશે. જો કે, હાલ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યાં છે. તેમજ રામનવમી બાદ પણ મંદિર ભક્તોના દર્શન ખુલ્લુ જ રહેશે.
શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ જન્મભૂમિ સંકુલમાં રામ નવમી મેળાની તૈયારીની બેઠક યોજી હતી. તેમણે રામ મંદિર નિર્માણ માટે ચાલી રહેલા કામની પણ સમીક્ષા કરી હતી. તેમણે મંદિરના તે ભાગો જોયા જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, મુખ્ય મંદિરની દિવાલ બનાવવા માટે પથ્થરની જરૂર પડશે. આ પથ્થરો પર કોતરણી કરવામાં આવી રહી છે. ભક્તો માટે સુવિધા કેન્દ્રનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મંદિરનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે. આખું મંદિર જાન્યુઆરી 2025 થી ભક્તો માટે દર્શન માટે ઉપલબ્ધ રહેશે.
દરમિયાન એવી અફવા ફેલાઈ હતી કે, રામ નવમી પછી મંદિર પૂર્ણ થાય ત્યાં સુધી સામાન્ય ભક્તો માટે બંધ રહેશે. તેમજ બાંધકામ પૂર્ણ થયા બાદ જ મંદિર ખોલવામાં આવશે. જો કે, મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે, મંદિર કોઈપણ સંજોગોમાં બંધ કરવામાં આવશે નહીં. ભક્તો સામાન્ય રીતે દર્શન કરતા રહેશે.