 
                                    કોરોના વેક્સીન લગાવતા પહેલા પંજાબના આ બંને જિલ્લામાં થશે ડ્રાય રન
- પંજાબના 2 જિલ્લામાં થશે ડ્રાય રન
- વેક્સીનને લઈને ડ્રાય રન 28-29 ડિસેમ્બરના રોજ થશે
- કો-વિન એપની સ્થિતિનું કરાશે પરીક્ષણ
જલંધર: ભારત સરકારે કોરોના વેક્સીનના ડ્રાય રન માટે પંજાબના બે જિલ્લા લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગરની પસંદગી કરી છે. પંજાબના રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે, કોરોના વેક્સીનનો આ ડ્રાય રન 28 અને 29 ડિસેમ્બરના રોજ થશે. તે ડમી વેક્સીનનો ઉપયોગ કરીને કરવામાં આવશે. રસીકરણ માટે 805 સર્વિસ લોકેશનને સામેલ કરવામાં આવ્યા છે.
ડ્રાય રન દરમિયાન કોરોના વેક્સીન લગાવવા માટે બનાવવામાં આવેલ કો-વિન મોબાઇલ એપની સ્થિતિનું પરીક્ષણ પણ કરવામાં આવશે. તેની સહાયથી વેક્સીનથી સંબંધિત ઘણા પાસાં,માહિતી અને જરૂરી ડેટા પણ ઓનલાઇન જોડવામાં આવશે. પંજાબમાં બે દિવસીય ડ્રાય રન દરમિયાન વેક્સીનનેશનના લાભાર્થીના ડેટા અપલોડ કરવામાં આવશે. આ સાથે વેક્સીનના વિતરણ,તેના સંચાલનથી સંબંધિત માઇક્રો પ્લાનિંગનું કામ પણ કરવામાં આવશે.
દેશમાં કોરોના રસીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર કેન્દ્રની સાથે મળીને વેક્સીનેશન માટેના તેમના અભિયાનમાં લાગી છે. આ દરમિયાન હાલમાં એક સમાચાર આવ્યા હતા કે, ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કોરોના વેક્સીનનું પહેલું શિપમેન્ટ દિલ્હી પહોંચશે.
જો કે, હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે કોરોના વેક્સીનની પ્રથમ બેચ કઇ કંપનીની રહેશે. સરકાર અથવા વહીવટીતંત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
-દેવાંશી
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

