1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોટિલાના ડુંગર પર મા ચામુંડાના દર્શન માટે જવા પગથિયા નહીં ચડવા પડે, રોપ-વેને મંજુરી
ચોટિલાના ડુંગર પર મા ચામુંડાના દર્શન માટે જવા પગથિયા નહીં ચડવા પડે, રોપ-વેને મંજુરી

ચોટિલાના ડુંગર પર મા ચામુંડાના દર્શન માટે જવા પગથિયા નહીં ચડવા પડે, રોપ-વેને મંજુરી

0
Social Share

સુરેન્દ્રનગર:  ગુજરાત સરકારે રાજ્યના સુરેન્દ્રનગર સ્થિત ચોટીલાના ડુંગર પર રોપ-વે બનાવવાની મંજૂરી આપી છે, ડુંગર પર દેવી ચામુંડાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. દર્શનાર્થીઓને પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા જવું પડે છે. જેમાં ઘણાબધા વૃદ્ધો પગથિયા ન ચડી શકવાને કારણે દર્શન માટે જઈ શક્તા નથી. આથી સરકારે રોપ-વેને મંજુરી આપી દીધી છે. ગુજરાતમાં પર્વતો પર સ્થિત તીર્થસ્થાનો સુધી પહોંચવા માટેનો આ ચોથો રોપ-વે પ્રોજેક્ટ બનશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,   ચોટીલા ડુંગરે રોપ-વેનો પ્રોજેક્ટ આવકારદાયક છે. રોપ-વે બન્યા બાદ ચોટીલાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે. રોપ-વે બની જવાથી પગથિયા ચડવામાં મુશ્કેલી અનુભવતા વૃદ્ધ અને બાળકો પણ મા ચામુંડાના દર્શનનો લ્હાવો લઈ શકશે. સૂત્રોના કહેવા મુજબ આબુની કંપની આ રોપ-વેનું કામ કરવાની છે. સરકારે રોપ-વેના કામ બાબતે ગેજેટ પણ પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર આગામી 31 ડિસેમ્બર 2023 સુધીમાં કરોડોના ખર્ચે રોપ-વે તૈયાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને રાજકોટ મેગા સિટી વચ્ચે આવેલા ઝાલાવાડના પાંચાળ પંથકમાં ચોટીલામાં માં ચામુંડાના જ્યાં બેસણાં છે ત્યાં રોપ-વે માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 વર્ષ પહેલા મહોર મારી હતી. જો કે, બિન અનુભવી કંપનીને આ કામ મળતા પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજસ્થાનના આબુ રોડ ઉપર આવેલી માર્શ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ચોટીલામાં રોપ-વે બનાવવાનું કામ મળ્યું છે. પર્યાવરણને નુકસાન ન જાય તે રીતે રોપ-વેનું કામ કરવામાં આવશે. ચોટીલા રોપ-વેની કામગીરીને મંજૂરી મળતા નાના પાળિયાદ ગામના સરપંચ સહિતના ગ્રામજનોમાં તેમજ ભક્તોમાં આનંદના માહોલ જોવા મળી રહ્યો છે. ચોટીલામાં રોપ-વેની મુસાફીનો ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. જે અનુસાર એક તરફના 100 જ્યારે બંને તરફના 130 રૂપિયા ચાર્જ થશે. આ ભાવ 2 વર્ષ માટે અમલ રહેશે તેવું જાણવા મળ્યું છે. સાથે એવી પણ માહિતી મળી છે કે, ચોટીલામાં રોપ-વે કાર્યરત થયા બાદ તેમા 8થી વધુ મુસાફરોને લઈ જઈ શકાશે નહીં.(file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code