
આજે ગીતા જ્યંતિ, શ્રીકૃષ્ણ દ્વારા ઉપદેશિત એકાત્મતા, સમાનતા, દિવ્ય તત્ત્વજ્ઞાનનું મનન-ચિંતન કરીએ
શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીસરેલી વાણી, વેદોનો સાર. જેનું સંકલન મહર્ષિ વેદવ્યાસજીએ સાતસો શ્લોક અને અઢાર અધ્યાયના રૂપે કર્યુ છે. ગીતા બહુઆયામી મહામૂલ્યવાન ગ્રંથ છે. ગીતા જયંતિ, માગસર સુદ એકાદશી નિમિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા ઉપદેશિત એકાત્મતા,સમાનતા,સમદ્રષ્ટિ,સમભાવના દિવ્ય તત્ત્વજ્ઞાનનું મનન-ચિંતન કરીએ.
શ્રીકૃષ્ણ કહે છે સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિ:સંદેહ બીજું કશું જ નથી. જ્ઞાનની પરિભાષા આપતાં તેઓ કહે છે કે ‘સમગ્ર ભૂતોને (સઘળાં પ્રાણીને) નિ:શેષભાવે પહેલાં પોતાનામાં અને પછી પરમાત્મામાં જોવા તે જ્ઞાન છે.’ પોતાની શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈપણ પ્રાણીને કોઈપણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ,મન-વાણી આદિમાં ઋજુભાવ હોવો, અહંકારનો અભાવ હોવો તે જ્ઞાન છે. જે જ્ઞાનથી માણસ ભિન્ન-ભિન્ન જણાતાં બધાં જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને, અવિભાજિતરૂપે સમભાવે રહેલો જુએ છે, એ જ્ઞાન સાત્વિક જ્ઞાન છે.
શ્રીકૃષ્ણ કહે છે કે હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી, જે મારા વિનાનું હોય. હું સઘળાં ભૂતોમાં સમભાવે વ્યાપક છું. જે આખાં બ્રહ્માંડમાં જેટલાં પણ ચરાચર પ્રાણીઓ છે, એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટસ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે, તે મારો ભક્ત છે. મહાત્મા તેને જ ગણી શકાય કે જે ‘સર્વ કાંઈ વાસુદેવ જ છે’, એટલે કે વાસુદેવ સિવાય બીજું કશું જ નહીં, તે ભાવે પરમાત્માને ભજે છે.
હું જ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, હું સઘળાં ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા ભૂતોનો આદિ, મધ્ય અને અન્ત પણ હું જ છું. પ્રાણીમાત્રના દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. હું જ સર્વ પ્રાણીઓમાં વૈશ્વાનર અગ્નિસ્વરૂપ થઈને અન્નને પચાવું છું.
વિભૂતિ યોગમાં શ્રીકૃષ્ણ પોતાના વિવિધરૂપ જણાવે છે. તેઓ કહે છે..વિષ્ણુ, સૂર્ય, તેજ, ચંદ્ર, સામવેદ, પ્રાણીઓની ચેતના, શંકર, ધનનો સ્વામી કુબેર, અગ્નિ, સમુદ્ર, ઓંકાર, હિમાલય, પીપળાનું વૃક્ષ, ઐરાવત, વજ્ર, કામધેનુ, વાસુકી, શેષનાગ, પ્રહલાદ, સિંહ વગેરે હું છું. આમ ભગવાન સૃષ્ટિનો આદિ, અન્ત તથા મધ્ય સઘળું છે. એટલે કે ભગવાન સિવાય જગતમાં કશું જ નથી. જે માણસ સઘળાં ભૂતોમાં સહુના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળાં ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો.