
આજે વિશ્વ જળ દિવસ,જાણો તેનો ઈતિહાસ અને આ વર્ષની થીમ
દર વર્ષે 22 માર્ચને વિશ્વભરમાં વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વખત તે વર્ષ 1993 માં ઉજવવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પાણીનું મહત્વ જણાવવાનો છે. સાથે જ તેનો બગાડ અટકાવવા અને તેના સંરક્ષણ માટે જરૂરી પગલાં અંગે લોકોને જાગૃત કરવા. જેના માટે શાળા-કોલેજથી લઈને કચેરીઓ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે અને લોકોને તે વિશે જણાવવાના પ્રયાસો કરવામાં આવે છે. તો આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ અને આ વર્ષે કઈ થીમ સાથે વર્લ્ડ વોટર ડે ઉજવવામાં આવી રહ્યો છે, ચાલો જાણીએ તેના વિશે.
વિશ્વ જળ દિવસનો ઇતિહાસ
વિશ્વ જળ દિવસની ઉજવણીની પહેલ વર્ષ 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીકારવામાં આવ્યો અને વર્ષ 1993માં 22 માર્ચે પ્રથમ વખત ‘વર્લ્ડ વોટર ડે’ ઉજવવામાં આવ્યો. ત્યારથી, “વિશ્વ જળ દિવસ” દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે.
વિશ્વ જળ દિવસ 2023નું મહત્વ
પાણી વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે. આ દિવસ લોકોને પાણીના મહત્વ વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. માનવ સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા, ઉર્જા ઉત્પાદન અને કૃષિ જેવી અનેક બાબતો માટે પાણી જરૂરી છે. પાણી એક મર્યાદિત સંસાધન છે અને તેનો યોગ્ય ઉપયોગ અને જવાબદારીપૂર્વક વ્યવસ્થાપન થાય તેની ખાતરી કરવી જરૂરી છે. આજે, વધતી વસ્તી અને જાગૃતિના અભાવને કારણે, દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં પાણીની અછત છે. લોકોને રોજીંદી જરૂરીયાતની સાથે પીવાનું પાણી પણ મળતું નથી તેથી પાણી બચાવો અંગે જાગૃતિ ફેલાવવી વધુ જરૂરી બની છે. વિશ્વના દરેક વ્યક્તિની ફરજ છે કે તે પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે અને તેનો બગાડ ન કરે.
વિશ્વ જળ દિવસ 2023 ની થીમ
દર વર્ષે વિશ્વ જળ દિવસ નિમિત્તે એક થીમ નક્કી કરવામાં આવે છે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્ય કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2023, વિશ્વ જળ દિવસની થીમ “એક્સીલરેટિંગ ચેન્જ” છે. થીમ જળ ક્ષેત્રમાં ઝડપ અને તાત્કાલિકતાના મહત્વ પર ભાર મૂકશે.