અમદાવાદઃ આજે વસંતપંચમીનો દિવસ લગ્નો માટે વણજોયું મૂહુર્ત માનવામાં આવે છે. એટલે આજે રાજ્યભરમાં ઠેર ઠેર અનેક લગ્નો યોજાયા હતા. અમદાવાદ સહિત મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લગાવાયેલા એક અંદાજ મુજબ લગભગ સાત હજારથી વધુ વરઘોડિયા આજે લગ્નના બંધને બંધાયા હતા. સરકારે લગ્ન માટે 300ની મંજુરી આપતા શહેરી વિસ્તારોમાં લગ્ન આયોજકોએ રાહત અનુભવી હતી. આજે વધુ લગ્નો યોજવામાં આવ્યા હોવાને કારણે કેટરિંગથી લઈને વરરાજાની કાર ડેકોરેશન અને ફુલોના ભાવમાં પણ તડાકો બોલી ગયો હતો. મહાનગરોમાં રાત્રીના 10 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થતો હોવાથી મોટાભાગના લગ્નો દિવસ દરમિયાન યોજાયા હતા.
વસંતપંચમીને લગ્ન માટે વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. રાજ્યમાં કોરોનાના કેસો અને લગ્નમાં 150 લોકોની જ મર્યાદાને કારણે લગ્નો પર અસર પડી છે. જોકે સરકારે નવી ગાઈડલાઈન્સમાં ખુલ્લામાં લગ્નના આયોજન પર 300 સુધી મહેમાનોને બોલાવવાની મંજૂરી આપતા આજે 5મી ફેબ્રુઆરીએ વસંતપંચમી નિમિત્તે ચાર મહાનગર એવાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 7000થિ વધુ લગ્નો યોજાયા હતા. અમદાવાદ સહિત મહાનગરોમાં વાઇરસે વેડિંગની પેટર્ન જ બદલી નાખી છે. નિયંત્રણોને કારણે હવે લોકો એક જ લગ્નમાં અલગ અલગ ફંક્શન યોજે છે. આ લગ્ન ફંક્શનમાં મહેમાનોને પણ રિપીટ કરવામાં આવતા નથી. દરેક પ્રસંગ મુજબ મહેમાનોની યાદી અલગ હોય છે. ઓછા માણસોની ગાઈડલાઈન્સ હોવાથી હવે લગ્ન સમારંભના દિવસો વધારી લોકો લગ્નની મોજ માણી રહ્યા છે. જ્યારે ગામડાંમાં તો કોઈ પૂછતું નથી. જ્યાં ધામધૂમથી મોટીસંખ્યમાં લોકોએ એકઠા થઈને લગ્નની મોજ માણી હતી.
લગ્નો માટે ડેકોરેશનનું કામ કરતા યોગેશભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આજે અનેક લગ્નો યોજાયા હતા. તમામ પાર્ટી પ્લોટ્સ, કલબો, હોલનું અગાઉથી જ બુકિંગ થઈ ગયું હતું. અને ધામધૂમથી લગ્નો યોજાયા હતા. જોકે નાઇટ કર્ફ્યૂને કારણે રાત્રે 10 વાગ્યે વરઘોડો કાઢી શકાય એમ ન હોવાથી આ તમામ લગ્ન દિવસે યોજાયા હતા. ઘણા લગ્ન આયોજકોએ રિસોર્ટ અને ડિસ્ટિનેશન વેડિંગ પસંદ કર્યા હતા. જ્યાં સંગીત સેરેમની, મહેંદી રસમ, લગ્ન અને રિસેપ્શન એમ ચારથી પાંચ ભાગમાં લગ્નને વહેંચી તેમાં જુદાજુદા લોકોને આમંત્રિત કરી સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇન્સ સાચવી સાથે સમાજના વ્યવહારો પણ સાચવી લીધા હતા.