
વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, શારદાબેન હોસ્પિટલ કેમ્પસમાં 93 વૃક્ષો જડમૂળથી કપાયાં
અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના કામોને લીધે પર્યારણનો વિનાશ થઊ રહ્યો છે. વિકાસના કામો માટે જેટલા લીલાછમ વૃક્ષો કાપવામાં આવે છે. તેનાથી બમણી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ યોગ્ય સંભાળના અભાવે વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શારદાબેન હોસ્પિટલના નવીનીકરણની કામગીરી માટે નડતરરૂપ 93 વૃક્ષોને જડમુળથી નાશ કરવામાં આવ્યો છે. તંત્રએ ઇચ્છ્યુ હોત તો આ વૃક્ષોને અન્યત્ર સ્થળાંતરીત કરી શક્યા હોત તેવો આક્ષેપ એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના કહેવા મુજબ તંત્ર દ્વારા જે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતુ તે વૃક્ષોને સ્થળાંતરિત કરવામાં બેદરકારી દાખવામાં આવી છે.
અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની શારદાબેન હોસ્પિટલ બનાવવામાં અડચણરૂપ બનેલા 12 પીપળા, 11 વડ, 29 કણજી, 18 અરડુસો, 10 લીમડા, 6 આસોપાલવ, 3 અન્ય, 2 સરગવો, 1 ગુંદા અને 1 ગુલમહોરના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતુ. કુલ 93 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતુ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં બીઆરટીએસ, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, સહિત વિકાસના કામોમાં અડચણરૂપ બનતા અનેક વૃક્ષો કપાયા છે. એટલે કે શહેરનું ગ્રીનકવર ઘટી રહ્યું છે. બીજીબાજુ ચારેકોર સિમેન્ટ-કોંક્રીટના જંગલ સમા બિલ્ડિંગો બનતા જાય છે. એટલે શહેરમાં ઉષ્ણતામાનમાં પણ વધારો થતો જાય છે. ત્યારે શહેરમાં વધુને વધુ વૃક્ષો વાવીને એનું જતન પણ કરવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પોરેશન વૃક્ષો વાવવા માટે અભિયાન ચલાવે છે. તેમજ લોકોને પણ પર્યાવરણ બચાવવા વૃક્ષો નહીં કાપવા સૂચનો કરે છે. પરંતુ મ્યુનિ. એ જ વર્ષો જૂના વૃક્ષો કાપી નાખ્યા છે. તાજેતરમાં જ નારણપુરા વરદાન ટાવર પાછળ પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. (file photo)