
અમદાવાદઃ રાજ્યના મેટ્રોસિટી ગણાતા અમદાવાદના વિકાસ સાથે વસતીમાં પણ વધારો થયો છે. ધંધા-રોજગારની તલાશમાં શહેરમાં આવીને બહારના અનેક લોકોએ વસવાટ કર્યો છે. તેના લીધે શહેરનો વિસ્તાર પણ વધ્યો છે. હવે શહેરમાં મુબઈની જેમ ગગનચુંબી બહુમાળી બિલ્ડિંગો જોવા મળશે.શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા સાયન્સ સિટી રોડ, એસજી હાઈવે રાજપથ ક્લબ પાસે અને શીલજ વિસ્તારમાં 33 માળની બિલ્ડિંગ બનાવવા માટે વિકાસ પરવાનગી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. સોમવારે મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં એસજી હાઈવે પર ગોતા, ચાંદલોડિયા, સોલા, કઠવાડા અને ફતેહવાડી સહિતની ત્રણ ડ્રાફ્ટ ટીપીને ફાઈનલ ટીપી માટે રાજ્ય સરકારમાં પરામર્શ માટે મોકલવામાં આવી છે.
ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરનો સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે સાયન્સ સિટી રોડ પર 116 જેટલા A, B અને C એમ ત્રણ બ્લોક બનશે. ત્રણેય બ્લોક 33 માળના બનશે. આ ઉપરાંત શહેરના એસજી હાઈવે પર રાજપથ રંગોલી રોડ પર તેમજ શીલજ થલતેજ રોડ પર 33 માળના રહેણાકના મકાનો માટે વિકાસ પરવાનગી આપી દેવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સોમવારે મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં શહેરના કઠવાડા વિસ્તારમાં ટીપી 117 માં 106 પ્લોટ, ગોતા, ચાંદલોડિયા અને સોલા ટીપી 29માં 52 પ્લોટ, ફતેહવાડી નવી ડ્રાફ્ટ ટીપી 158/G માં 35 પ્લોટ એમ કુલ 193 જેટલા પ્લોટ મળશે. જેમાં ગાર્ડન, ઓપન સ્પેસ, અર્બન ફોરેસ્ટ્રી, રહેણાંક, વાણિજ્ય, પબ્લિક યુટીલીટી અને સ્કૂલ પ્લેગ્રાઉન્ડ વગેરે માટે પ્લોટ મળશે. સૌથી વધારે પ્લોટ કઠવાડા વિસ્તારમાં મળશે. ડ્રાફ્ટ ટીપી સરકારમાંથી ફાઈનલ થઈને આવશે. ત્યારે કઠવાડાનો વધુ વિકાસ થશે.