
અમદાવાદઃ નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા અનુસ્નાતકના તબીબી વિદ્યાર્થીઓ (પીજી મેડિકલ સ્ટુડન્ટ્સ) માટે કેટલાક નિયમો જારી કર્યા છે. જેમાં હવેથી દેશભરમાં પીજી મેડિકલ સ્ટુડન્ટને એક સમાન સ્ટાઈપેન્ડ અપાશે. દરેક મેડિકલ કોલેજોના સંચાલકોએ પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પુરી પાડવી ફરજિયાત રહેશે. જો કે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવું કે કેમ તે મરજિયાત રહેશે. કોલેજો અને યુનિવર્સિટીની પરીક્ષા પોતપોતાના સ્તર પર લેવામાં આવશે. આ પીજી મેડિકલની પરીક્ષા લેનારા એક્ઝામિનરનો અનુભવ ઓછામાં ઓછા ત્રણ વર્ષનો હોવો જોઈએ. આટલો અનુભવ નહિ ધરાવતા એક્ઝામિનરની નિયુક્તિ કરવામાં આવશે નહિ. આ ઉપરાંત આ રેગ્યુલેશન્સ અંતર્ગત વિદ્યાર્થીઓને બેઝિક કાર્ડિએક લાઇફ સપોર્ટ અને એડવાન્સ કાર્ડિએક સપોર્ટની સ્કિલ પણ શીખવાની રહેશે. આ બંને સર્ટિફિકેટ કોર્સ વિના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ-2023 જાહેર કર્યું છે, જે અનુસાર તમામ વિદ્યાર્થીઓને એક સમાન સ્ટાઇપેન્ડ અપાશે. અગાઉ અલગ અલગ રાજ્યોમાં કોલેજોમાં વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં અલગ અલગ નિયમો હતા. ઉપરાંત આ રેગ્યુલેશન્સ અંતર્ગત વિદ્યાર્થીઓને બેઝિક કાર્ડિએક લાઇફ સપોર્ટ અને એડવાન્સ કાર્ડિએક સપોર્ટની સ્કિલ પણ શીખવાની રહેશે. આ બંને સર્ટિફિકેટ કોર્સ વિના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પીજીના વિદ્યાર્થીઓને હોસ્ટેલની સવલત પણ જે તે કોલેજોએ આપવાની રહેશે. જોકે હોસ્ટેલમાં રહેવુ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહિ હોય. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ રહેવાના સ્થળની પસંદગી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આ રેગ્યુલેશન્સમાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે, કોલેજો અને યુનિવર્સિટીની પરીક્ષા પોતપોતાના સ્તર પર લેવામાં આવશે. આ પીજી મેડિકલની પરીક્ષા લેનારા એક્ઝામિનરનો અનુભવ ઓછામાં ઓછા ત્રણ વર્ષનો હોવો જોઈએ. આટલો અનુભવ નહિ ધરાવતા એક્ઝામિનરની નિયુક્તિ કરવામાં આવશે નહિ.