‘True Caller ’ને ટક્કર આપશે હવે સ્વદેશી એપ ‘Bharat Caller’ – ‘True Caller’થી આ રીતે હશે અલગ
- ‘ટ્રુકોલર’ને ટક્કર આપશે ભારતની સ્વદેશી એપ
 - ભારતમાં બની ‘ભારત કોલર’ એપ
 - યુઝર્સને આ રીતે થશે ફાયદા
 
છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં એવી એપ્લિકેશન બની છે જે વિદેશની એપ્લિકેશનને ટક્કર આપવા માટે સક્ષમ છે, જો વાત કરીએ ટિકટોકની તો ભારતમાં તેના વિકલ્પ તરીકે અનેક એપ્લિકેશન બની ગઈ, ટ્વિટરને ટક્કર આપવા માટે KOO નામની એપ્લિકેશન બની ગઈ અને લોકો તરફથી તેને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. મધ્યપ્રદેશની સરકારે તો પોતાની સરકારી યોજનાઓની જાણકારી KOO એપ્લિકેશન પર આપવાની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે નવી એક એપ્લિકેશન આવી છે જે ટ્રુ-કોલરને ટક્કર આપી શકે છે.
આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ કોલર આઇડી એપ ‘ટ્રુકોલર’ને ટક્કર આપવા ભારતમાં બનેલી ભારતકોલર એપ લોન્ચ થઇ ચૂકી છે. આ એપ બનાવનારનું કહેવું છે કે તે ‘ટ્રુકોલર’ને કરતા ઘણી બધી વાતમાં આગળ છે. અને તે ભારતીયોને વધુ પસંદ આવશે.
આ એપ તેના યૂઝર્સના કોન્ટેક્સ અને કોલ લોગ્સને પોતાના સર્વર પર સેવ નથી કરતી જેથી યૂઝર્સની પ્રાઇવસી જળવાઇ રહે છે. સાથે જ આ એપના ડેટા એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ભારતની બહાર કોઇ નથી કરી શક્તુ. માટે જ ભારત કોલર એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને યૂઝર્સ ફ્રેન્ડ્લી છે. ત્રણ મહિનાની રિસર્ચ બાદ, ડિસેમ્બર 2020માં આ એપ પર કામ શરૂ કરવામાં આવ્યુ હતુ અને આ એપને તૈયાર થવામાં 6 મહિના લાગ્યા હતા. ટ્રાયલ સફળ રહ્યા બાદ આ એપના પહેલા વર્ઝનને લોન્ચ કરવામાં આવ્યુ છે.
માર્કેટમાં જેમ જેમ સ્પર્ધા વધતી જાય છે તેમ તેમ ઘણા બધા લોકો એપ્સ બનાવી રહ્યા છે. આપણો દેશ પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા ઘણી બધી એપ ભારતમાં બની છે જે વિદેશી એપને ટક્કર આપે છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

