
ગાંધીનગરઃ રાજ્યના માર્ગો પર વીવીઆઈપી પસાર થાય ત્યારે ટ્રાફિકને લાંભા સમય સુધી રોકવામાં આવતો હોય છે. ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકને લીધે પસાર થઈ શકતી નથી. અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી સરકારે નિર્ણય લીધો છે. કે, વીવીઆઈપી પસાર થાય ત્યારે માત્ર ત્રણ મિનિટ જ ટ્રાફિક રોકવામાં આવશે. એટલે વાહનચાલકોને ત્રણ મિનિટથી વધુ રાહ જોવી નહીં પડે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં હવેથી VVIP વાહનો પસાર થાય ત્યારે વાહચાલકોને 3 મિનિટથી વધારે ટ્રાફિકમાં નહીં ગાળવા પડે.કારણ કે વાહચાલકોને હેરાનગતિ ન થાય તે માટે રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકે મહત્વનો આદેશ કર્યો છે. ગુજરાતમાં અગાઉની સરકારો કરતા નવી સરકારના પદાધિકારીઓ, સભ્યો ઉપર જોખમનું તત્વ નહિવત છે. જેથી તેમને મળેલી સુરક્ષા વ્યવસ્થા માત્ર પ્રોટોકલ પૂરતી મર્યાદિત રહી છે. તેવામાં રાજ્યના ADG નરસિંહા કોમારે ટ્રાફિક મેનેજમેન્ટના આદેશો કર્યા છે. ADGના આદેશ પ્રમાણે, ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેમની સમકક્ષ સુરક્ષા કચવ ધરાવતા વિદેશી મહાનુભાવો સિવાય અન્ય તમામ VVIP, VIPની સુરક્ષા અનુસંધાને ત્રણ મિનિટથી વધુ સમય માટે રસ્તા ઉપર વાહનો અટકાવવા નહીં તેવી સૂચના અપાઈ છે.. ADGએ તમામ શહેરના પોલીસ કમિશનરેટ, પોલીસ અધિક્ષકોને VVIP, VIP મૂવમેન્ટ અંગે અગાઉથી જ ટ્રાફિક મેનેજમેન્ટ કરવા કહ્યું છે. રસ્તાની લંબાઈ, ટ્રાફિકનું ભારણ, વૈકલ્પિક રૂટ, ડાયવર્ઝન જેવી બાબતો ધ્યાને લઈને શક્ય ત્યાં સુધી જે માર્ગ ઉપર વાહનોની અવર જવર રોકવામાં આવે છે તેનું ખાસ આયોજન કરવા સૂચના અપાઈ છે. સામાન્ય નાગરિકોને થતી હેરાનગતિ રોકવા અગાઉથી જ ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન જાહેર કરવો પડશે. (file photo)