1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, 140 કેન્દ્રો પર વ્યવસ્થા કરાઈ
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, 140 કેન્દ્રો પર વ્યવસ્થા કરાઈ

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, 140 કેન્દ્રો પર વ્યવસ્થા કરાઈ

0
Social Share

અમદાવાદઃ  રાજ્યમાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે જાહેરાત કરી હતી. જેમાં મગફળી ટેકાના ભાવે વેચવા માગતા ખેડુતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ  કરવામાં આવી છે. ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે અને કોઇ તકલીફ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 140 APMC કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે. જે ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને આજથી મેસેજ મોકલવાની પણ શરૂઆત થઇ ગઇ છે.

જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ  કરવામાં આવ્યો હતો. રાજ્યના  કૃષિમંત્રી રાઘવજી પટેલે ધ્રોલ માર્કેટ યાર્ડથી ખરીદી શરૂ કરાવી હતી. સરકારે મગફળીના ટેકાનો ભાવ 1110 રૂપિયા નક્કી કર્યો છે.. ખેડૂતોને એક મણ મગફળીએ 1110 રૂપિયા મળી રહ્યા છે.  ગયા વર્ષે આ ભાવ 1 હજાર 55 રૂપિયા હતો.. ભાવને લઈ ખેડૂતોમાં સંતોષ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી જે ભાવ આપવામાં આવી રહ્યો છે સંતોષકારક છે.. પરંતુ સરકારે એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદવાનું જ નક્કી કરેલું છે.. ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતો પાસેથી વધુ જથ્થામાં મગફળી ખરીદી કરે અને સમયસર નાણા ચૂકવે તે જરૂરી છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આજે લાભ પાંચમના શુભ દિવસે રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું  કે,  જામનગરમાં ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. જોડિયા, જામનગર અને કાલાવડમાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરાવશે. તેમણે કહ્યું રાજ્યના 28 જિલ્લાઓમાં 90 દિવસ સુધી આ પ્રક્રિયા શરૂ રહેશે.

સામાન્ય સંજોગોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 90 દિવસ સુધી ચાલતી હોય છે.જોકે ચાલુ વર્ષે ઓછું રજીસ્ટ્રેશન થવાને કારણે 60 દિવસ જ ખરીદી ચાલે તેવી શક્યતાઓ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે..જોકે 60 દિવસમાં મોટાભાગનો માલ ખરીદી લેવાનો દાવો પણ અધિકારીઓ દ્વારા કરાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code