
રાજકોટમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ
રાજકોટઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરી દેવાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત તમામ શિક્ષકોને એક વર્ષમાં 50 કલાકની તાલીમ ફરજિયાત કરાઈ છે. જેને લઈ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત અલગ-અલગ શાળાઓનાં 1000 શિક્ષકો માટે નિરંતર તાલીમ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં ખાનગી શાળાઓનાં શિક્ષકોને બાળકો તેમજ વાલીઓ સાથે કેવો વ્યવહાર કરવો તે સહિતના મુદ્દે તાલીમ આપવામાં આવશે. વર્ષમાં ચાર વખત આ તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવશે.
આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકોને તાલીમબદ્ધ કરવા જરૂરી છે. હાલ બદલાતા સમયમાં શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા નિરંતર પરિવર્તનોને ધ્યાનમાં લઇ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ જિલ્લા દ્વારા પોતાના શિક્ષકોને તાલીમબદ્ધ કરવા માટે સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ વખત અને સંભવત: ભારતમાં પણ પ્રથમ વખત નિરંતર ટિચર્સ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ રાજકોટ એન્જિનિયરિંગ એસો. ખાતેથી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ટિચર્સ ટ્રેનિંગ કાર્યક્રમ નિરંતર ચાલુ રાખવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ તાલીમી કાર્યક્રમ દરમિયાન રાજકોટ જિલ્લાનાં શિક્ષકોને વધુ સામર્થ્યવાન બનાવવા માટેનાં પ્રયાસો કરવામાં આવશે. જેમાં પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સહિતનાં કુલ 4 વિભાગમાં તાલીમ અપાશે. જેમાં સ્વામી વિવેકાનંદજી, સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણન, રવિન્દ્રનાથ ટાગોર ઉપરાંત એપીજે અબ્દુલ કલામ આ ચાર વ્યક્તિઓનાં નામ સાથે આ ટ્રેનિંગ પ્રોગ્રામ જોડવામાં આવ્યા છે. જેમાં સ્ટ્રેસનું મેનેજમેન્ટ, કલાસરૂમ મેનેજમેન્ટ, વિધાર્થીઓ અને શિક્ષકો તેમજ વાલીઓ અને શિક્ષકોનાં સંબંધો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા શિક્ષકો દ્વારા તાલીમ અપાશે.