 
                                    સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોને રેશનિંગનો પુરવઠો ન ફાળવાતા ગ્રાહકોને મુશ્કેલી
સુરેન્દ્રનગરઃ જિલ્લાની 540થી વધુ સસ્તા અનાજની દુકાનોએ છેલ્લાં 15 દિવસથી અનાજનો પુરવઠો ન આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં દુકાનધારકોએ પૈસા ભરી દીધા હોવા છતાં પુરવઠો ન આવતા ગ્રાહકો સાથે ઘર્ષણમાં ઉતરવાના બનાવો બનતા રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. આમ સર્વર ડાઉન થતાં તહેવારો ટાણે તેલ અને ચોખાનો જથ્થો મોડો આવ્યા બાદ વધુ એક સમસ્યા ઊભી થતા લાભાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં રેશનિંગનો પુરવાઠો ન પહોંચતા રેશનિંગના કાર્ડ ધારકોને મુશ્કેલી પડી રહી છે. રેશનિંગના દુકાનદારોએ જે પુરવઠો મળવાનો હતો તેનું પેમેન્ટ પણ કરી દીધુ છે.પણ પુરવઠો ફાળવવામાં આવ્યો નહોવાથી ગ્રાહકોને વિતરણ કરી શકાતું નથી. દેશના ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને અનાજ મળી રહે માટે વર્ષ 2013માં નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ સાંસદમાં પસાર કરાયું હતું. જે અંતર્ગત દેશભરના એનએસએફએ બીપીએલ, એએવાય, એપીએલ-1, 2 ધારકોને ઘઉં, ચોખા, ખાંડ, તેલ તુવેર દાળ,મીઠુ સહિતનો રાશન જથ્થો સસ્તા અનાજ વિતરણની દુકાનોએ કરાય છે. અગાઉ રાજ્યમાં સર્વર ડાઉન થતા પુરવઠા વિતરણની કામગીરીને અસરથઇ હતી. તાજેતરમાં જન્માષ્ટમી ટાણે તહેવારોમાં દુકાનો પર તેલ, ખાંડનો જથ્થો ન આવતા દુકાનદારો અને લાભાર્થીઓ પરેશાન થયા હતા.આમ હાલ એક માસથી જિલ્લાની 540 સસ્તા અનાજની દુકાનો પર ઘઉં, ચોખા પુરવઠાનો જથ્થો ન આવતા રાશનની દુકાનેથી પરત ફરવું પડતા રોષની લાગણી ફેલાઇ છે. રોષે ભરાયેલા લાભાર્થીઓ સાથે સસ્તા અનાજની દુકાનોએ સંઘર્ષના બનાવો બનતા તાત્કાલીક પુરવઠો ફળવાય તેવી લોકમાંગ ઊઠી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

