અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી ટર્મ શરૂ થતાની સાથે જ વિદેશ નીતિમાં મોટા ફેરફારોના સંકેત આપી દીધા છે. ટ્રમ્પ પ્રશાસને એક મહત્વના નિર્ણય હેઠળ 30 જેટલા અનુભવી રાજદ્વારીઓ (એમ્બેસેડર) ને તેમના પદ પરથી હટાવી દીધા છે અને તેમને તાત્કાલિક વોશિંગ્ટન પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ તમામ રાજદૂતોની નિમણૂક જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ પ્રશાસન વિદેશી દૂતાવાસોમાં એવા અધિકારીઓને તૈનાત કરવા માંગે છે જે રાષ્ટ્રપતિની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનું સંપૂર્ણ સમર્થન કરતા હોય. આ હેતુસર, જૂના વહીવટીતંત્ર દ્વારા નિમાયેલા વરિષ્ઠ રાજદ્વારીઓને પરત બોલાવીને નવા અને ટ્રમ્પની વિચારધારા સાથે સુસંગત અધિકારીઓની નિમણૂકનો માર્ગ મોકળો કરવામાં આવી રહ્યો છે.
વિદેશ વિભાગના બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે જ ૨૯ દેશોમાં તૈનાત રાજદૂતોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમની સેવાઓ જાન્યુઆરી મહિનામાં સમાપ્ત થશે. જોકે, આ નિર્ણયથી તેમની નોકરી જશે નહીં. અસરગ્રસ્ત રાજદ્વારીઓ વોશિંગ્ટન પરત ફરીને વિદેશ વિભાગમાં અન્ય જવાબદારીઓ સંભાળી શકશે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરાઈ નથી, પરંતુ મળતી માહિતી મુજબ આ નિર્ણયની સૌથી મોટી અસર આફ્રિકન અને એશિયન દેશો પર પડી છે. આફ્રિકાના બુરુંડી, કેમરૂન, નાઈજીરિયા, રવાન્ડા અને યુગાન્ડા સહિત કુલ 13 દેશોમાંથી રાજદૂતો પરત બોલાવાયા છે. એશિયાના ફિલિપાઈન્સ, વિયેતનામ, ફિજી, લાઓસ, માર્શલ આઈલેન્ડ્સ અને પાપુઆ ન્યુ ગિની, દક્ષિણ અને મધ્ય એશિયાના નેપાળ તથા શ્રીલંકા, યુરોપના આર્મેનિયા, નોર્થ મેસેડોનિયા, મોન્ટેનેગ્રો, સ્લોવેકિયા, મધ્ય પૂર્વના અલ્જેરિયા, ઈજિપ્ત (મિસ્ર), તેમજ પશ્ચિમ ગોળાર્ધના ગ્વાટેમાલા અને સુરીનામથી રાજદૂતોને પરત બોલાવાયાં છે.
સામાન્ય રીતે રાજદૂતોનો કાર્યકાળ ૩ થી ૪ વર્ષનો હોય છે અને તેઓ રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર કાર્ય કરતા હોય છે. ટ્રમ્પ પ્રશાસને આ પગલાંને ‘સામાન્ય પ્રક્રિયા’ ગણાવી છે, પરંતુ નિષ્ણાતો તેને અમેરિકન વિદેશ નીતિમાં આવી રહેલા આક્રમક બદલાવ તરીકે જોઈ રહ્યા છે.


