ભારત પર લાદેલો ટેરિફ ઘટાડી શકે છે ટ્રમ્પ, અમેરિકી મંત્રીએ આપ્યો સંકેત
વૉશિંગ્ટન ડીસી, 24 જાન્યુઆરી, 2026 – Trump may reduce tariffs અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને ઘટાડવા અંગે મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ સંકેત આપ્યો છે કે અમેરિકી સરકાર ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફમાંથી અડધા ટેરિફ (25 ટકા) પાછા ખેંચવા પર વિચાર કરી શકે છે. તેમણે આનું કારણ છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા પાસેથી કાચા તેલની ભારતની ખરીદીમાં આવેલો મોટો ઘટાડો ગણાવ્યો છે.
અમેરિકી મીડિયા ‘પોલિટિકો’ને આપેલા ઇન્ટરવ્યુમાં નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે, રશિયન તેલની આયાત ઘટાડવા માટે ભારતના પગલાથી ભારતીય સામાન પર લાદવામાં આવેલા ઓછામાં ઓછા 25 ટકા ટેરિફમાં છૂટછાટ આપવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
તેમણે કહ્યું, ‘અમેરિકાએ ભારત પર બે તબક્કામાં ટેરિફ લાદ્યા હતા, જ્યાં પ્રથમ 25 ટકા ટેરિફ બંને દેશો વચ્ચેના કથિત વ્યાપાર અસંતુલનને લઈને લાદવામાં આવ્યો હતો. બીજી તરફ, રશિયા પાસેથી કાચા તેલની ખરીદી સતત ચાલુ રાખવાને કારણે અમેરિકાએ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ સજા તરીકે લાદ્યો હતો.’ આ પગલું એવા સમયે લેવામાં આવ્યું હતું જ્યારે વોશિંગ્ટન મોસ્કો પર આર્થિક દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી પર નાણામંત્રી શું બોલ્યા?
નાણામંત્રી સ્કોટ બેસેન્ટે પોલિટિકોને કહ્યું, ‘ભારત પર લાદવામાં આવેલો અમારો 25 ટકા ટેરિફ અત્યંત સફળ રહ્યો છે. ભારત તરફથી રશિયન તેલની ખરીદી લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે, ટેરિફ હજુ પણ અમલમાં છે, પરંતુ મને લાગે છે કે હવે તેને હટાવવાનો રસ્તો નીકળી શકે છે.’
EUની ભારત સાથેની ટ્રેડ ડીલ
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુરોપિયન યુનિયન (EU) એ ભારત પર ટેરિફ એટલા માટે નથી લાદ્યા કારણ કે તે નવી દિલ્હી સાથે મોટો વ્યાપાર કરાર કરવા માંગે છે. આ સાથે તેમણે યુરોપની ટીકા કરતા કહ્યું કે તે ભારત પાસેથી રિફાઈન્ડ ઊર્જા ઉત્પાદનોની ખરીદી કરી રહ્યું છે, જેને તેમણે મૂર્ખામી ગણાવી હતી.
ભારતે રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કરી દીધું: બેસેન્ટ
અમેરિકી નાણામંત્રી બેસેન્ટે ગયા અઠવાડિયે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક દરમિયાન ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
તેમણે દાવો કર્યો હતો કે સંઘર્ષ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું, પરંતુ પ્રમુખ ટ્રમ્પે તેના પર 25 ટકા ટેરિફ લાદી દીધો હતો. ત્યારબાદ ભારતે ધીરે ધીરે પોતાની ખરીદી ઘટાડી દીધી અને હવે તેણે રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કરી દીધું છે.


