
વડોદરાઃ પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે 1 જુલાઇ, 2021 ના રોજ રાત્રે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 ને દોષીત જાહેર કર્યા છે. અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ કુલ 26 જુગારીઓને ઝડપી લીધા હતા.
પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે 1 જુલાઇ, 2021 ના રોજ રાત્રે જીમીરા રિસોર્ટમાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 1લી જુલાઈ 2021ના રોજ રાત્રે રેડ પાડવામાં આવી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રૂપિયા રોકડા, 25 મોબાઇલ, લેપટોપ અને 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચુકાદામાં સજા પામેલા 26 પૈકી 24 સજા સમયે હાજર હતા. કોર્ટે કલમ 4 અનુસાર 2 વર્ષની સજા, 3 હજારનો દંડ, કલમ 5 અનુસાર 6 મહિનાની સજા ફટકારી હતી. આ ઉપરાંત 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત જીમીરા રિસોર્ટનો પરવાનો પણ રદ્દ કરવા માટેનો આદેશ આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપની ટીકિટ પર ચૂંટાયા છે. જો કોઇ પણ ગુનામાં બે કે તેથી વધારે સજા થાય તો ધારાસભ્યપદ ગુમાવવું પડે છે. આ ઘટનામાં કેસરિસિંહના ભવિષ્ય હવે શું છે તે જોવું રહ્યું. તેમને 2 વર્ષની સજા થઇ ચુકી છે. તેવામાં હવે ભાજપ શું કરે છે તે જોવું રહ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જીમીરા રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ જુગારધામ ચલાવતો હતો. જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહારના બદલે પ્લાસ્ટિકના કોઇનનો ઉપયોગ કરતો હતો. ઝડપાયેલી મહિલાઓ અહીં જોકી તરીકે ઉપયોગમાં લેવાતી હતી. જુગાર રમતા લોકોને પત્તા વહેંચવા, અન્ય પીણા પીરસવા અને મહેમાનોની સેવા કરવી જેવા કામ કરતા હતા.