1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બે કિલો સોનું મેળવવાની લાલચ આપીને 15 લાખ પડાવ્યા, નિકોલ પોલીસમાં ગુનો નોંધાયો
બે કિલો સોનું મેળવવાની લાલચ આપીને 15 લાખ પડાવ્યા, નિકોલ પોલીસમાં ગુનો નોંધાયો

બે કિલો સોનું મેળવવાની લાલચ આપીને 15 લાખ પડાવ્યા, નિકોલ પોલીસમાં ગુનો નોંધાયો

0
Social Share

અમદાવાદ :  લોકો લોભ-લાલચને લીધે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. એટલે જ કહેવત છે કે, લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.  છેતરપિંડીનો આવો બનાવ શહેરના નિકોલ  વિસ્તારમાં બન્યો હતો. રૂપિયા 15 લાખમાં બે કિલો સોનું બનાવી આપવાની લાલચ આપીને ચાર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હતી. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ વિભાગમાં  નોકરી કરતા અમૃતભાઈ દેસાઈ છેલ્લા દસ વર્ષથી એએમટીએસ બસમાં કંડકટર તરીકે નોકરી કરતા સોમાભાઈ ખાંટને ઓળખે છે. ગત વર્ષે સોમાભાઈ ખાંટે અમૃતભાઈને તેમના ઘરે બોલાવીને કહ્યું હતું કે મારા ગુરુ રણજીતભાઈ વણઝારા સોનુ બનાવે છે, જો તમારે સસ્તામાં સોનું બનાવવું હોય તો બનાવી આપશે અને જો તમે વિશ્વાસ ના આવતો હોય તો મારી સાથે ચાલો તમારી મુલાકાત કરાવી આપું. તેમ કહીને તેઓને પંચમહાલના માતરિયા વ્યાસ ગામ ખાતે લઇ ગયા હતા. જ્યાં સોમા ખાંટે તેમના ગુરુ રણજીત તથા પ્રભાત વણઝારા સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે ત્રણેએ ભેગા થઇ એક ભઠ્ઠી સળગાવી હતી અને તેમાંથી એક સોનાનો ટુકડો કાઢી અમૃતભાઇને ચેક કરવા માટે આપ્યો હતો અને કહ્યું હતું કે, ચેક કરાવી લેજો અને પછી અમારા ઉપર વિશ્વાસ બેસે તો તમે અમને 15 લાખ રૂપિયા આપજો અમે બે કિલો સોનુ બનાવી આપીશું. ત્યાંથી સોનુ લઇ અમૃતભાઇ તથા સોમા ખાંટ અમદાવાદ આવ્યા હતા અને માણેકચોક પહોંચ્યા હતા. જ્યાં સોનુ ચેક કરાવતા તે 24 કેરેટનું પ્યોર ગોલ્ડ હોવાનું સામે આવ્યું હતું. જેથી અમૃતભાઇને તેમની ઉપર વિશ્વાસ થયો હતો અને તેમણે આ અંગે વાત તેમના મોટા ભાઇ રાજુભાઇને કરી હતી. પછી રાજુભાઇ, સોમા ખાંટ અને અમૃતભાઇ ગુરુજી રણજીત વણઝારાના ઘરે 15 લાખ લઇ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે બે કિલો સોના માટે 15 લાખ રૂપિયા માગ્યા હતા. જેથી 15 લાખ રૂપિયા અમૃતભાઇએ તેમને આપ્યા હતા.

આ દરમિયાન રણજીત વણઝારાએ એક કાગળમાં પ્રવાહી ભરેલી બે નળીઓ લપેટી આપી હતી અને કહ્યું હતું કે, તમને બે કલાક પછી બોલાવીએ ત્યારે આવી જજો પછી આપણે સોનુ બનાવીશુ.
બે કલાક પછી તેઓ ગયા ત્યારે રણજીતે જણાવ્યું હતું કે, આ નળીઓમાંથી લિકવીડ બહાર નીકળી ગયું છે તેથી હવે સોનુ નહીં બને પરંતુ કાગળમાં રહેલા લિકવીડ અમે ફાર્મસીમાં લઇ જઇએ તો 50 ટકા વળતર મળશે. તેમ કહ્યું હતું. અમૃતભાઇને તેમના પર વિશ્વાસ થયો હતો. પછી રણજીત અને પ્રભાતે અમૃતભાઇને જણાવ્યું હતું કે, અમે ફાર્મસી કંપનીમાં ચેક કરાવતા લિકવીડ નષ્ટ થઇ ગયું છે. બીજા 7.50 લાખ તૈયાર રાખો તો નવું લિકવીડ લાવી તમને સોનું બનાવી આપીશું. જો કે, તે સમયે પૈસાની સગવડ ન હોવાથી તેમણે પૈસા આપ્યા ન હતા. જોકે 12 ઓક્ટોબરના રોજ તેઓ પ્રભાતના ત્યાં ગયા હતા. ત્યારે તેમને બીજા લોકો પણ આ રીતે ભોગ બન્યા હોવાની જાણ થઇ હતી. જેથી આ મામલે અમૃતભાઇએ નિકોલ પોલીસ મથકમાં સોમા ખાંટ, રણજીત વણઝારા, પ્રભાત વણઝારા સહિતના સામે ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code