
વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકો પૂરફાટ ઝડપે વાહનો દોડાવતા હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વડાદરામાં પ્રતાપનગર ઓવરબ્રિજ પર પૂરફાટ ઝડપે આવેલા બે બાઈક સામસામે ધડાકા સાથે અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે બન્ને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, વડોદરા શહેરના પ્રતાપનગર ઓવર બ્રીજ પર બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક મૃતકની ઓળખ 21 વર્ષીય શંકર રાજૂભાઇ નિનામા (રહે. હાઉસીંગ, દરબાર ચોકડી, માંજલપુર) જ્યારે અન્યની ઓળખ 36 વર્ષીય રાજેશ ઇશ્વરભાઇ માળી થઇ છે. આ બંને યુવાનો પ્રતાપનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇકની સ્પીડ વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટક્કર એટલી ભયંકર હતી કે બંને લોકો ગંભીર હાલતમાં લોહીથી લથપથ હતા અને ચહેરા ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. હાજર લોકોએ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલ રાજુભાઈ માળી ફૂલોનો વ્યવસાય કરતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. તે ફૂલો લઈને બાઈક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવી રહેલા બાઈકે જોરદાર ટક્કર મારતા બંને બાઇક ચાલક ફંગોળાયા હતા. રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યાં લોહીના ખાબોચિયા ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
શહેરના પ્રતાપનગર બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર એકદમ એટલો ભયાવહ હતો કે બંને બાઈકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બંને વ્યક્તિ અકસ્માત થતા ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવને લઇ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી અને વાડી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને લઇ બંને યુવાનોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ભારે અકસ્માતને પગલે બંનેની સ્થિતિ નાજુક હતી અને હાજર તબીબ દ્વારા બંને યુવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવને લઇ વાડી પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે