પાકિસ્તાન માટે વીઝા સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સલમાન ચૌધરીએ સંસદ સમિતિને જણાવ્યું કે, યુનાઇટેડ અરબ અમીરાત (UAE) હાલમાં સામાન્ય પાકિસ્તાની નાગરિકોને વીઝા જારી કરતા નથી. સલમાન ચૌધરીએ સીનેટની હ્યુમન રાઇટ્સ ફંક્શનલ કમિટી સમક્ષ જણાવ્યું કે દેશ મુશ્કેલથી પાસપોર્ટ બેનથી બચ્યો છે, અને એવો બેન લાગ્યા પછી દૂર કરવો ખૂબ જ કઠિન બને છે.
તેમણે જણાવ્યું કે યુએઈ હાલમાં માત્ર બ્લૂ પાસપોર્ટ અને ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોને જ વીઝા આપે છે, જ્યારે સામાન્ય નાગરિકોનો ગ્રીન પાસપોર્ટ વીઝા માટે સ્વીકારવામાં આવતો નથી. બ્લૂ પાસપોર્ટ સરકારી અધિકારીઓ અને ખાસ કેટેગરીના લોકોને આપવામાં આવે છે. સમિતિની અધ્યક્ષ સેનટર સમીના મુમ્તાઝ ઝેહરીએ જણાવ્યું કે યુએઈની મુખ્ય ચિંતા એ છે કે ઘણા પાકિસ્તાની નાગરિકો ત્યાં જઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે.
વીઝા પ્રક્રિયા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે, જ્યારે સામાન્ય અરજદારોના વીઝા લગભગ બંધ છે એટલું જ નહીં છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૂબ જ ઓછી મંજૂરી આપવામાં આવી છે. વિવાદ વચ્ચે યુએઈએ વીઝા સિસ્ટમમાં મોટા બદલાવની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના વિત્ત મંત્રી સાથેની મુલાકાત દરમિયાન યુએઈના રાજદૂતે જણાવ્યું કે ઓનલાઈન વીઝા પ્રોસેસિંગ, પાસપોર્ટ પર સ્ટેમ્પ વિના ઇ-વીઝા સુવિધા, સિસ્ટમ-ટુ-સિસ્ટમ ફાસ્ટ લિંકિંગ જેવા આધુનિકીકરણના પગલાં લેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં નવા યુએઈ વીઝા સેન્ટરમાં રોજે 500 જેટલા વીઝા પ્રોસેસ થાય છે, છતાં સામાન્ય નાગરિકો માટે કડકાઈ યથાવત છે.
મિડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા પાકિસ્તાની નાગરિકો ટુરિસ્ટ વીઝા લઈ યુએઈ જઈને ભીખ માંગવા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે. આ કારણે યુએઈ સરકારે વધુ સતર્કતા અપનાવી છે. યુએઈ પાકિસ્તાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને રેમિટન્સનો મુખ્ય સ્ત્રોત છે.


