1. Home
  2. ગુજરાતી
  3. પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં ભૂકંપના જોરદાર આંચકા, કોલકાતામાં લોકોમાં ભારે ગભરાટ
પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં ભૂકંપના જોરદાર આંચકા, કોલકાતામાં લોકોમાં ભારે ગભરાટ

પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં ભૂકંપના જોરદાર આંચકા, કોલકાતામાં લોકોમાં ભારે ગભરાટ

0
Social Share

કોલકાતા, 27 ફેબ્રુઆરી 2026: પૂર્વ ભારત અને પાડોશી દેશ બાંગ્લાદેશમાં શુક્રવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા સામાન્ય જનજીવન હચમચી ગયું હતું. કોલકાતા સહિતના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. શુક્રવારે બપોરે અંદાજે 1:22 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 થી 5.5 નોંધાઈ હતી.

પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં જમીનથી અંદાજે 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. તેની અસર પશ્ચિમ બંગાળના અનેક સરહદી વિસ્તારો અને કોલકાતા શહેરમાં જોવા મળી હતી. જોકે આ આંચકા માત્ર થોડી સેકન્ડો માટે જ રહ્યા હતા, પરંતુ તેની તીવ્રતા એટલી હતી કે બહુમાળી ઇમારતો અને ફર્નિચર ધ્રૂજવા લાગ્યા હતા.

કોલકાતામાં આંચકા અનુભવાતા જ લોકો કામકાજ છોડીને ઈમારતોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા. બીજી તરફ કેન્દ્રીય રાજ્યમંત્રી સુકાંત મજુમદાર જ્યારે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે જ ભૂકંપ આવતા કાર્યક્રમમાં થોડો સમય માટે અફરાતફરી સર્જાઈ હતી. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોલકાતા, પશ્ચિમ બંગાળ કે સિક્કિમમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો અને સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

કોલકાતામાં આંચકા અનુભવાયા તે પહેલા આજે વહેલી સવારે અંદાજે 4:10 વાગ્યે સિક્કિમમાં પણ 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. પશ્ચિમ સિક્કિમમાં બે શાળાઓની દીવાલોમાં તિરાડો પડી હતી અને એક શાળાની છતનો ભાગ તૂટી પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. સિક્કિમમાં છેલ્લા 24 કલાકમાં આ બીજો ભૂકંપ હોવાથી પહાડી વિસ્તારોમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં પંચાયતી રાજ ઓફિસોમાં હવે સવાર-સાંજ ગવાશે રાષ્ટ્રગાન

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code