
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલ મંદિરના સંકુલમાં યાત્રિકોની સુવિધા માટે વિશ્રામ ભવન બનાવવા માટે પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ફરી એકવાર પ્રાચની મૂર્તિઓ અને મંદિરના અવશેષો મળી આવ્યાં હતા. આ મૂર્તિઓ અને મંદિરના અવશેષો 1 હજાર વર્ષ જૂના પરમાર કાલિનના હોવાનું મનાઈ રહ્યું છે. મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન 11મી સદીની મહત્ત્વપૂર્ણ મૂર્તિઓ પણ મળતા મંદિરના આ પ્રાચીન અને દુર્લભ મૂર્તિઓ અંગે પુરાતત્વ વિભાગ દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.
મહાકાલ મંદિરના આગળના ભાગમાં ખોદકામ દરમિયાન મળેલી પ્રાચીન મૂર્તિઓ અંગે પુરાતત્વ વિભાગ ભોપાલના 4 સભ્યોને ઉજ્જૈન મહાકાલ પરિસરના નિરીક્ષણ માટે મોકલ્યા હતા. ટીમના લીડર પુરાતત્ત્વીય અધિકારી ડૉ. રમેશ યાદવે કહ્યું હતું કે 11મી અને 12મી સદીના મંદિર, નીચે દટાયેલા છે, જે ઉત્તર ભાગમાં છે. દક્ષિણ તરફથી 4 મીટર દૂર એક દિવાલ મળી હતી, જે લગભગ 2100 વર્ષ જૂની હોઈ શકે છે. 2020માં પણ મહાકાલ મંદિરમાં લગભગ 1 હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા હતા. મંદિરના આગળના ભાગમાં વિશ્રામ ભવન બનાવાઈ રહ્યો છે. આના માટે જે ખોદકામ કરવામાં આવ્યું છે તે દરમિયાન અવશેષો સામે આવ્યા હતા. ત્યારપછી કામને સ્થગિત કરાયા હતા.
મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન એકપછી એક પ્રાચીન ધરોહરો બહાર આવી રહી છે. અહીં મૂર્તિઓના ઢગલા થઈ ગયા છે. પુરાતત્વ અધિકારી ડૉ. રમેશ યાદવે કહ્યું કે અત્યારે આ અંગે જાણ કરવી ઘણી મુશ્કેલ છે કે ખોદકામમાં બહાર આવેલા મંદિર કોને બનાવ્યા હશે જે અંગે અભ્યાસ હાથ ધરાયા બાદ કોઈ ચોક્કસ તારણ નીકળી શકશે પણ આ ખુબજ પ્રાચીન ધરોહર અને ઇતિહાસ દરબાયેલો છે.