
ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની 32,100 બોરીની આવક, પ્રતિ 20 કિલોનો 2900નો ભાવ બોલાયો
મહેસાણા: જિલ્લાના ઉનાવા માર્કેટ યાર્ડમાં શુક્રવારે એક જ દિવસમાં તમાકુની 32,100 બોરીની આવક થઈ હતી. તમાકુના પ્રતિ 20 કિલોના રૂપિયા 2901 ઉપજતા ખેડુતોને રાહત થઈ હતી. આ ઉપરાંત યાર્ડમાં કપાસ, એરંડા, સહિતના પાકની પણ સારીએવી આવક થઈ હતી.
ઉનાવા માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં 32,100 બોરી તમાકુની આવક થઇ હતી. જેમાં ખેડુતોને રેકોર્ડ બ્રેક ભાવ મળ્યો હતો. તમાકુનો ઊંચા ભાવ 2901 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. આ ઉપરાંત શુક્રવારે કપાસની 1900 મણ આવક નોંધાઈ હતી. જેના ભાવ 1541 રૂપિયા બોલાયા હતા.
મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટ યાર્ડમાં શુક્રવારે સૌથી વધુ તમાકુ અને કપાસની આવક થઇ હતી. રોજ હજારો બોરી તમાકુની સરેરાશ આવક થઈ રહી છે. ગઈ સિઝનમાં રોજની સરેરાશ 95 હજાર બોરીની આવક થઈ હતી. હાલ હરાજીમાં ખેડૂતોને તમાકુનાં સારા ભાવ મળી રહ્યા છે. આ ઉપરાંત શુક્રવારે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 778 બોરીની આવક નોંધાઇ હતી. જેનો નીચો ભાવ રૂપિયા 1090 અને ઊંચો ભાવ 1132 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. કપાસની 4 ગાડીની આવક થઈ હતી. જેનો ભાવ 1200 રૂપિયાથી લઈને 1541 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. તમાકુના 1200 રૂપિયાથી લઈને 2901 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યો હતો. જેમાં હલકા માલના 1200 રૂપિયા સુધી પ્રતિ મણ અને સારી ગુણવત્તા વાળા માલના 2901 રૂપિયા પ્રતિ મણ ભાવ નોધાયો હતો. ખેડૂતોને આજે 2901 જેટલા પ્રતિ મણના ઊંચા ભાવ મળ્યા છે. મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી પણ તમાકુ સહિતનો પાક વેચવા ખેડૂતો ઉમટી પડ્યા હતા.