
ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાન્યુઆરીમાં યોજાનારી 10મી વાઈબ્રન્ટ સમિટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 10થી 12 જાન્યુઆરી,2024 દરમિયાન ગાંધીનગર ખાતે 10મી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 10 મી વાઇબ્રન્ટને પગલે અત્યાર સુધીમાં કુલ 2747 MOU સંપન્ન થયા છે. જેનાથી અંદાજીત રૂ. 3.37 લાખ કરોડનું સંભવિત રોકાણ આવવાની સંભાવના છે. જેનાથી 10.91 લાખ સંભવિત રોજગારી પ્રાપ્ત થશે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાતની 10 મી આવૃત્તિમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, જાપાન, મલેશિયા, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, સિંગાપુર, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, તથા ચેક રિપબ્લિક, પોલેન્ડ, તાન્ઝાનિયા એમ કુલ 21 રાષ્ટ્રો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ રહ્યા છે. જેમાં વધુ દેશો જોડાવાની સંભાવના છે. આ ઉપરાંત 16 પાર્ટનર સંસ્થાઓ ભાગ લઈ રહ્યા છે.
ભારત સહિત દુનિયાના કુલ 72 દેશોમાંથી અત્યાર સુધીમાં 75,000 ડેલિગેટ્સએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત કુલ દેશના 10 મોટા શહેરોમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. 22 ડિસેમ્બર 2023ના રોજ હૈદરાબાદ ખાતે વધુ એક રોડ શો યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત 11 દેશોમાં ઈન્ટરનેશનલ રોડ શો યોજાયા હતા.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં 12 પ્રી-સમિટ સેમિનાર/ઈવેન્ટસનું આયોજન થઈ ચુક્યુ છે અગામી સમયમાં ત્રણ પ્રી-સમિટ સેમિનાર/ઈવેન્ટસનું આયોજન કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન વિવિધ દેશોના કન્ટ્રી સેમિનાર આયોજીત કરવામાં આવશે. આ ઉપરાંત સમિટના ત્રણ દિવસ દરમ્યાન વિવિધ વિષયો પર 20 થી વધુ સેમિનાર યોજાશે.