
સૌરાષ્ટ્રમાં માછીમારીની સીઝનના પ્રારંભે જ પ્રતિકૂળ વાતાવરણ, સાગરખેડુને દરિયો ન ખેડવા સુચના
પોરબંદરઃ સૌરાષ્ટ્રમાં આજે તા, 1લી ઓગસ્ટથી માછીમારીનો પ્રારંભ થવાનો હતો, અને માછીમારોએ સાગર ખેડવા માટેની તમામ આગોતરી તૈયારી પણ પૂર્ણ કરી દીધી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી દરિયામાં કરંટ હોવાથી પ્રતિકૂળ વાતાવરણ સર્જાતા માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ખેડવા ન જવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી. જેના લીધે મોટાભાગના માછીમારો દરિયો ખેડવાનો પ્રારંભ કરી શક્યા નહોતા. પોરબંદર, વેરાવળ, સૂત્રાપાડા, ઓખા અને જખૌ સહિતના દરિયાકાંઠા પર મોટી સંખ્યામાં હોડીઓ લાંગરેલી જોવા મળી હતી.
દેશના પશ્ચિમી સાગરકાંઠાના મહત્વના મત્સ્ય બંદર જખૌ બંદર પર આજે તા. 1લી ઓગસ્ટને ગુરૂવારથી માછીમારી સિઝનનો પ્રારંભ થવાનો હતો. જો કે, હવામાન ખાતાની વાતાવરણ ખરાબ હોવાના કારણે માછીમારોને 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના હોવાથી માછીમારોને બોટોને વિધિવત દરિયો ખેડવા માટે મંજૂરી આપવામાં આવી નથી. વાતાવરણ સારું રહેશે તો 4 ઓગસ્ટથી માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી અપાશે.
રાજ્યના ગીર સોમનાથ, દીવ, ઊના, સલાયા, પોરબંદર, વેરાવળ સહિતના માછીમારો પોતપોતાના વતનમાંથી નવ મહિના માટે જખૌ બંદર પર પરિવાર સાથે આવતા હોય છે. જખૌ બંદર પર લાંગરેલી બોટોના મેન્ટેનન્સ સમારકામ, કલરકામ સહિતની કામગીરી માછીમારો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી હતી. જખૌ બંદર પર 800 જેટલી રાજ્યના વિવિધ વિસ્તારમાંથી માછીમારી બોટો આવી પહોંચી છે. સિઝનના શરૂઆતના દિવસો હોવાના કારણે 2000 થી 3,000 માછીમારો આવ્યા છે. ધીરે ધીરે સંખ્યામાં વધારો થશે અને સિઝન દરમિયાન બંદર પર 15 હજારથી વધુ માનવ વસ્તી રહેતી હોય છે.
સૂત્રોના કહેવા મુજબ બે વર્ષ પહેલા દેશની સુરક્ષાના કારણે જખૌ બંદર પર માછીમારોના રહેણાંક તેમજ વેપારીઓના દંગા દબાણ હોવાના કારણે તોડી પાડવામાં આવ્યા હતા, જેથી માછલી સંગ્રહ સોર્ટિંગ અને બરફ રાખવા માટે જગ્યા ઉપલબ્ધ ન રહેતા અમુક વેપારીઓ અન્ય બંદર તરફ વળ્યા હતા. માછલીના જોઈએ તેવા ભાવ ન હોવાના કારણે માછીમારો પણ સીઝન પુરી થાય તે પહેલાં જ વતન તરફ ચાલ્યા ગયા હતા, જેની અસર જખૌ બંદરના ટર્નઓવર પર પડી હતી. સિઝન દરમિયાન 4000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતું બંદર 1500 કરોડ રૂપિયાના ટર્નઓવરે માંડ પહોંચ્યું હતું.
જખૌ બંદર અને માછીમાર બોટ એસોસિનના સૂત્રોએ જણાવ્યું હતું. જખૌ બંદર પર ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થતી હોય છે. તેમ છતાં જોઈએ એટલા માછીમારો હજી આવ્યા નથી. દબાણ તોડી પડાયા બાદ માછલી સંગ્રહસ્થાન અને બરફ રાખવા, માછીમાર પરિવારો માટે રહેવાની જગ્યા કાચા ભુંગા હોવાના કારણે હજુ જોઈએ એટલા માછીમારો આવ્યા નથી. મોટા વેપારીઓ પણ હજુ સુધી આવ્યા નથી ત્યારે માછીમારો માટે તંત્ર દ્વારા રહેવાની અને ધંધો કરવાની માટે જગ્યા આપવામાં આવે તો સિઝન સારી જશે નહીં તો ગત સિઝનની જેમ ફેઇલ જશે.