ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકાએ 25 ટકા ટેરિફ ઝીંક્યો
વોશિંગ્ટન, 13 જાન્યુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે અત્યંત આક્રમક વલણ અપનાવતા વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, ઈરાન સાથે વેપાર કરનારા કોઈપણ દેશે હવે અમેરિકા સાથેના વેપાર પર 25 ટકાનો વધારાનો ટેરિફ ચૂકવવો પડશે. આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે, જેનાથી ભારત સહિત ઈરાન સાથે આર્થિક સંબંધો ધરાવતા અનેક દેશોની મુશ્કેલીઓ વધી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણય અંતિમ અને નિર્ણાયક છે. ઈરાનમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા દેશવ્યાપી હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકાએ આર્થિક નાકાબંધી તેજ કરી છે. ટ્રમ્પના આ પગલાનો સીધો અર્થ એ છે કે વિશ્વના દેશોએ હવે અમેરિકા અથવા ઈરાન – બેમાંથી એકની પસંદગી કરવી પડશે.
- અમેરિકી નાગરિકોને ઈરાન છોડવા સૂચના
ઈરાનમાં વધતી અરાજકતાને જોતા અમેરિકાના ‘વર્ચ્યુઅલ એમ્બેસી’ એ એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકી નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે, ઈરાનમાં દેખાવો હિંસક બની શકે છે, ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે અને ફ્લાઈટ્સ રદ થઈ રહી છે. નાગરિકોને આર્મેનિયા કે તુર્કીના રસ્તે માર્ગ માર્ગે સુરક્ષિત બહાર નીકળવા સલાહ અપાઈ છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે મુત્સદ્દીગીરી પ્રથમ પસંદગી છે, પરંતુ જો જરૂર પડી તો હવાઈ હુમલા અને સૈન્ય કાર્યવાહી જેવા તમામ વિકલ્પો ખુલ્લા છે.” લેવિટના જણાવ્યા મુજબ, ઈરાની શાસન જાહેરમાં જે નિવેદનો આપે છે તે અને ખાનગી ચેનલો દ્વારા અમેરિકાને જે સંદેશા મોકલી રહ્યું છે તેમાં મોટો તફાવત છે.
- અમેરિકા-ઈઝરાયેલ અસ્થિરતા ફેલાવી રહ્યા છે: ઈરાન
બીજી તરફ, ઈરાને આ વિરોધ પ્રદર્શનો પાછળ અમેરિકા અને ઈઝરાયેલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનનું કહેવું છે કે તે વાતચીત માટે તૈયાર છે, પરંતુ તે જ સમયે અમેરિકા વિરુદ્ધ ઉગ્ર નિવેદનબાજી પણ ચાલુ રાખી છે. જોકે, લેવિટે સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકાના હિતોને જોખમમાં મૂકવામાં આવશે, તો ટ્રમ્પ કઠોર નિર્ણયો લેતા અચકાશે નહીં.
આ પણ વાંચોઃજો તમે પણ ઓછું પાણી પીવો છો, તો થઈ શકે છે કિડની સ્ટોન


