ઈરાન યુદ્ધનો થોડા અઠવાડિયામાં અંત આવી જશેઃ અમેરિકા
ન્યૂયોર્ક, 16 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાનું માનવું છે કે ઈરાન સાથેનો આ સંઘર્ષ આગામી થોડા અઠવાડિયામાં જ સમાપ્ત થઈ શકે છે. જોકે, બીજી તરફ ઈરાને નમતું જોખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. યુદ્ધના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ સાથે, અમેરિકી અધિકારીઓ આ સૈન્ય અભિયાનની ગતિથી સંતુષ્ટ દેખાઈ રહ્યા છે.
ઉર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું કે લશ્કરી અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી 2 થી 3 અઠવાડિયામાં યુદ્ધનો અંત આવી શકે છે. આર્થિક સલાહકાર કેવિન હાસેટે દાવો કર્યો કે સંરક્ષણ વિભાગે આ મિશન માટે 4 થી 6 અઠવાડિયાનો અંદાજ રાખ્યો હતો, પરંતુ હાલમાં અમેરિકી સેના નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહી છે.
યુદ્ધની સૌથી ભયાનક અસર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર પડી છે. સુરક્ષાના કારણોસર આ માર્ગ પર ટેન્કરોની અવરજવર લગભગ ઠપ્પ થઈ ગઈ છે. અમેરિકાએ સ્વીકાર્યું છે કે ઉર્જા બજારમાં વિક્ષેપ પડ્યો છે, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના મતે આ સ્થિતિ હંગામી છે અને ટૂંક સમયમાં સ્થિરતા આવશે.
અમેરિકાના દાવાઓ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનો લડાયક મિજાજ જોવા મળ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેમણે ક્યારેય અમેરિકા પાસે યુદ્ધવિરામ કે વાતચીતની ભીખ માંગી નથી. અરાઘચીએ જણાવ્યું કે, “આ પ્રમુખ ટ્રમ્પ દ્વારા થોપવામાં આવેલું યુદ્ધ છે. જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી અમે અમારું રક્ષણ કરીશું. આ અમારા અસ્તિત્વની લડાઈ નથી, અમે સ્થિર અને મજબૂત છીએ.”


