
વોશિંગ્ટન: વ્હાઈટ હાઉસે કહ્યું છે કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને યુએનએસસીમાં ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવો પાકિસ્તાનમાંથી આતંકવાદના મૂળિયા ઉખાડી ફેંકવા અને દક્ષિણ એશિયામાં સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત કરવાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા દર્શાવે છે. વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા ગેરેટ માર્કિસે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાને લઈને કહ્યુ છે કે અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવો પાકિસ્તાનમાંથી આતંકના મૂળિયા ઉખાડી ફેંકવા અને દક્ષિણ એશિયામાં સુરક્ષા અને સ્થિરતા લાવવાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પણ આ પગલાનું સ્વાગત કર્યું છે અને કહ્યુ છે કે આ આતંકવાદની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયન અને અમેરિકાની કૂટનીતિની જીત છે. પોમ્પિયોએ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાને અમેરિકાના કૂટનીતિક પ્રયાસોના નેતૃત્વ કરવાના મામલે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના મિશનને પણ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. પોમ્પિયોએ કહ્યુ છે કે આ પગલું આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાય અને અમેરિકાની કૂટનીતિક જીત છે તથા દક્ષિણ એશિયામાં શાંતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
માર્કિસે એક નિવેદનમાં કહ્યુ છે કે અમેરિકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાને લઈને યુએનએસસી 1267 પ્રતિબંધ સમિતિના વખાણ કરે છે. જૈશ-એ-મોહમ્મદને સંયુક્ત રાષ્ટ્ર પહેલા જ ગ્લોબલ ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન જાહેર કરી ચુક્યું છે. આ સંગઠને કાશ્મીરમાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્તાગસે કહ્યુ છે કે જૈશ-એ-મોહમ્મદ ઘણાં આતંકવાદી હુમલા માટે જવાબદાર રહ્યુ છે અને તે દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ માટે ખતરો છે. તેમણે કહ્યુ છે કે જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક અને ચીફ હોવાના નાતે મસૂદ અઝહર પણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના મામલે તમામ અનિવાર્યતાઓને પૂર્ણ કરે છે. તેના પછી સંયુક્ત રાષ્ટ્રના તમામ સદસ્ય દેશ અઝહરની વિરુદ્ધ મિલ્કતો સીલ કરવી, પ્રવાસ પ્રતિબંધ અને હથિયાર સંબંધિત પ્રતિબંધ લગાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે તમામ દેશો સાથે આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરવાની આશા કરીએ છીએ.
તેમણે કહ્યુ છે કે અમે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા વ્યક્ત કરવામાં આવેલી પ્રતિબદ્ધતાના વખાણ કરીએ છીએ કે પાકિસ્તાન પોતાના સારા ભવિષ્ય માટે પોતાની જમીન પરથી આતંકવાદીઓ અને આતંકવાદી જૂથોને કામ કરવાની મંજૂરી આપશે નહીં. મહત્વપૂર્ણ છે કે સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને બુધવારે વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરી દીધો છે. ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિ હેઠળ પાકિસ્તાની આતંકવાદી સંગઠનના ચીફને બ્લેક લિસ્ટમાં નાખવાના એક પ્રસ્તાવ પર ચીન દ્વારા પોતાની રોક હટાવાયા બાદ સંયુક્ત રાષ્ટ્રે આ ઘોષણા કરી છે.