1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ 37 વર્ષથી ભારતમાં રહેતી પાકિસ્તાની મહિલા અને તેની દીકરી ઝડપાઈ
ઉત્તરપ્રદેશઃ 37 વર્ષથી ભારતમાં રહેતી પાકિસ્તાની મહિલા અને તેની દીકરી ઝડપાઈ

ઉત્તરપ્રદેશઃ 37 વર્ષથી ભારતમાં રહેતી પાકિસ્તાની મહિલા અને તેની દીકરી ઝડપાઈ

0
Social Share

મેરઠ, 17 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના મેરઠમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસે મોટી કાર્યવાહી કરતા એક પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. મેરઠના દેહલી ગેટ વિસ્તારમાં રહેતી સબા મસૂદ ઉર્ફે નાઝિયા પર આરોપ છે કે તેણે વર્ષ 2003માં બે અલગ-અલગ નામે નકલી વોટર આઈડી કાર્ડ બનાવડાવ્યા હતા. આ મામલે પોલીસ 23 વર્ષ બાદ એક્શનમાં આવી છે અને મહિલા વિરુદ્ધ ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો છે.

સ્થાનિક રહેવાસી રુખસાના દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, નાઝિયાના પિતા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા હોવાની આશંકા છે. નાઝિયાએ 1988માં લાહોરમાં મેરઠના બેન્ડ વેપારી ફરહત મસૂદ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે લોંગ ટર્મ વિઝા પર ભારત આવી હતી.

આરોપ છે કે નાઝિયા 1993માં પાકિસ્તાન ગઈ હતી, જ્યાં તેણે દીકરી એમન ફરહતને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે દીકરીને પાકિસ્તાની પાસપોર્ટ પર ભારત લઈ આવી હતી. અહીં એમનનું એડમિશન નકલી દસ્તાવેજોના આધારે મેરઠની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં કરાવવામાં આવ્યું હતું. દીકરી એમન પર પણ પાકિસ્તાની નાગરિક હોવા છતાં ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાનો આરોપ છે.

એસપી સિટી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, 2003ની મતદાર યાદીમાં સબા ઉર્ફે નાઝિયાના બે અલગ-અલગ નામ જોવા મળ્યા છે. મહિલા ગુપ્તચર વિભાગને જાણ કર્યા વિના સહારનપુર જેવા વિસ્તારોમાં ગઈ હતી, જે વિદેશી અધિનિયમનું ઉલ્લંઘન છે. પોલીસ હવે આ કેસમાં ‘ફોરેનર્સ એક્ટ’ (વિદેશી અધિનિયમ) ની કલમો ઉમેરવાની તૈયારી કરી રહી છે.

બીજી તરફ, આરોપી પક્ષનું કહેવું છે કે આ બધી કાર્યવાહી મિલકત વિવાદને કારણે કરવામાં આવી રહી છે. તેમના મતે નકલી દસ્તાવેજો બનાવવાનો આરોપ પાયાવિહોણો છે. જોકે, પોલીસ તપાસમાં દસ્તાવેજી પુરાવા મળતા નાઝિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારત સામેની હારથી નારાજ મોહસીન નકવીએ પાકિસ્તાની ખેલાડીઓને મોકલ્યો ખાસ સંદેશ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code